સુરત શહેરમાં જીમ અને યોગા સેન્ટર કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે શરૃ થશે પણ સુરતમાં જોખમી વિસ્તારો જાહેર કરાયા છે ત્યાં યોગ કે જીમ ખોલવા દેવાશે નહી. તેમજ ડિસ્ટન્સ, સેનેટાઈઝર અને માસ્કનો ઉપયોગ કરવા તેમજ કોમોર્બિડ વ્યક્તિ તથા 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકને બંધ જગ્યાવાળી જીમનો ઉપયોગ નહી કરવા માટે તાકીદ કરાઇ છે.
મહાનગરપાલિકા વિસ્તારમાં આવતીકાલથી જીમ અને યોગ સેન્ટર શરૃ કરવા પહેલાં મ્યુનિ. તંત્રએ ગાઈડ લાઈન જાહેર કરી છે. જેમાં સ્ટાફ અને સભ્યો તથા મુલાકાતીઓ વચ્ચેના સંપર્કને ઘટાડવા પગલાં ભરવાની તાકીદ થઇ છે. ઉપરાતં સુરત સિટીમાં અનેક વિસ્તારો હાઇ રિસ્ક એરિયા જાહેર કરાયા છે ત્યાં જીમ કે યોગ સેન્ટર શરૃ કરી શકાશે નહીં.
તમામ યોગ સેન્ટર કે જીમમાં ૬૫ વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિ અને કોમોર્બિડ વ્યક્તિ સાથે સગર્ભા સ્ત્રી અને ૧૦ વર્ષથી નીચેના બાળકોને બંધ જગ્યા પર જીમનો ઉપયોગ ન કરવા માટે સુચન કરાયું છે. જીમ અને યોગ સેન્ટરમાં બે વ્યક્તિ વચ્ચે છ ફુટનું અંતર જાળવવું પડશે. કસરત દરમિયાન સાદા કાપડના માસ્કનો ઉપયોગ કરવો પડશે. જીમ યોગ સેન્ટરમાં આવનારે વારંવાર હાથ ધોવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો, તથા થુંકવા પર પ્રતિબંધ અને બધાએ ફરજ્યાત આરોગ્ય સેતું એપ્લીકેશન ડાઉન લોડ કરવી પડશે.
આ ઉપરાંત જીમ અને યોગ સેન્ટરમાં સભ્યોની સંખ્યા મર્યાદિત કરવી પડશે તથા વિસ્તારને વારંવાર સેનેટાઈઝ કરવો પડશે. તેમજ સિટીના જોખમી જાહેર થયેલા વિસ્તારોમાંથી સ્ટાફને કામ પર રાખી શકાશે નહી. સંક્રમણને ધ્યાનમા ંરાખીને રેકર્ડ કરેલા સંગીત, ગીતો વગાડવા તથા બુમ પાડવા કે હાસ્ય યોગ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે.