સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 21.68 ઇંચ વરસાદની સાથે જ મૌસમનો કુલ 39.22 ટકા વરસાદ વરસ્યો છે. આટલો વરસાદ નોંધાયો હોવા છતા છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઓછો વરસાદ આ વર્ષે વરસ્યો છે.
શહેર અને જિલ્લામાં આ વર્ષે જુન મહિનામાં ચોમાસાની સમયસર શરૃઆત થઇ હતી. પરંતુ ત્યારબાદ આખા જુન મહિનામાં મેઘરાજા અલપ ઝલપ જ વરસતા જુન મહિનાનો કુલ વરસાદ 150 મિ.મિ ( 6 ઇંચ ) નોંધાયો હતો. આ વરસાદની સરખામણીમાં જુલાઇ મહિનામાં મેઘરાજાએ તોફાની બેટિગ કરતા જુન મહિના કરતા અઢી ગણો 396 મિ.મિ ( 15.84 ઇંચ ) વરસાદ નોંધાયો છે. જયારે જુન અને જુલાઇ મહિના થઇને સુરત જિલ્લાનો કુલ વરસાદ ૫૪૬ મિ.મિ ( 21.68 ઇંચ ) નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડા તાલુકામાં 42.04 ઇંચ અને સૌથી ઓછો વરસાદ માંડવી તાલુકામાં 9.68 ઇંચ નોંધાયો છે