પ્રાપ્ત વિગત પ્રમાણે સુરત જિલ્લાના કડોદરામાં રહેતા અને ખેતી સાથે સંકળાયેલા રમેશ નાયકના પુત્ર પાર્થના લગ્ન પ્રસંગે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયિકા તરીકે કચ્છની કોયલ તરીકે જાણીતી ગીતા રબારીને લાવવમાં આવી હતી. ડાયરાની શરૂઆત દેશભક્તિના ગીતોથી કરવામાં આવી હતી. ગીતા રબારીએ ભજનની રમઝટ બોલાવવાનું શરૂ કરતા જ ઉપસ્થિત જનમેદનીએ નોટો ઉડાવવાનું શરૂ કર્યું હતું. રૂપિયાની સાથે સાથે હાજર લોકોએ અમેરિકન ડોલરનો પણ વરસાદ વરસાવી દીધો.
વરરાજા પાર્થ નાયકે મીડિયાને જણાવ્યું કે નાનપણથી તેની ઇચ્છા સેનામાં જોડાવાની હતી પરંતુ કોઈક કારણસર તે સેનામાં ભરતી થઈ શક્યો ન હતો. પાર્થે વધુમાં જણાવ્યું કે, “મારા લગ્ન નક્કી થયા ત્યારે જ મેં મન બનાવી લીધું હતું કે લગ્ન પ્રસંગે દેશના વિરલાઓ માટે કઈ કરવું જોઈએ. બાદમાં પિતા સાથે વાત કરી અને લોકડાયરાનું આયોજન કર્યું હતું.”
દુલ્હન રિદ્ધિ દેસાઈએ મીડિયાને જણાવ્યું કે, “હું બહુ નસીબદાર છું કે મારા પતિ પાર્થ દેશભક્તિ માટે આટલા ઉચ્ચ વિચારો ધરાવે છે.”
કડોદરા ખાતે યોજાયેલા આ ડાયરામાં જે રકમ આવશે તે તમામ શહીદોના પરિવારોને મોકલી આપવામાં આવશે. ડાયરો પૂરો થયો ત્યાં સુધી અંદાજે 7 લાખ રૂપિયા એકત્રિત થયા હોવાનું જાણવા મળ્યું છે.