સુરતના કામરેજના ખોલવડ ગામે અસ્થિર મગજના યુવકે સગી માતાને હથોડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાના પગલે ચકચાર મચી ગઇ હતી. માતાની હત્યા કરી ભાગેલા યુવકને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના ધુલિયા ગામે રહેતી 22 વર્ષીય લીલા બેન સંજય ભાઇ થોરી પોતાની માતા મંગુબેનને મળવાની ઇચ્છા થતાં પોતાની 10 વર્ષની પુત્રી સાથે રાત્રે 10 કલાકે ખાનગી ટ્રાવેલ્સમાં બેસી કામરેજ આવવા નીકળ્યા હતા. સવારે કામરેજ આવી પહોંચ્યા બાદ ખોલવડ ખાતે રહેતી માતાના ઘરે આવતા ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાથી બારીમાંથી ડોકીયુ કરતા અંદર માતા મંગુબેન ખાટલામાં લોહી હુલાણ હાલતમાં પડેલી જોઇ હતી.
માતાની સ્થિતિ જોઈ દીકરીના હોશ ઉડી ગયા હતા. તેણીએ રડારોળ કરી મૂક્તાં પાડોશીઓ દોડી આવ્યા હતા. બેભાન હાલતમાં મંગુબેનને 108 બોલાવી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.