સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં ચાલુ ટ્રેને ચડવા જતાં એક યુવક ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો હતો. જોકે, સદનસીબે રેલવે પોલીસના એક કર્મીનું ધ્યાન જતાં યુવકને બચાવી લેવાયો હતો.
મળતી માહિતી પ્રમાણે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 પર એક યુવક ચાલુ ટ્રેનમાં ચડવા ગયો હતો. આ દરમિયાન તેણે કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો હતો. જોકે, ટ્રેન સાથે ઢસડાય તે પહેલા જ નજીકમાં ઉભેલા આરપીએફ (રેલવે પોલીસ ફોર્સ)નો એક કર્મી તેની મદદ માટે દોડ્યો હતો.
ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાનાર યુવકનું નામ તુષાર પટેલ હોવાનું માલુમ પડ્યું છે. તુષારને પોલીસ કોન્સ્ટેબલ શિવ મિણાએ અન્ય લોકોની મદદથી બચાવી લીધો હતો. આ દરમિયાન અન્ય એક કર્મીએ ચેન પુલિંગ કરતા ટ્રેન ઉભી રહી ગઈ હતી.
તુષાર પટેલ સુરતથી નવસારી જવા માટે ટ્રેનમાં ચડ્યો હતો. આ આખી ઘટના પ્લેટફોર્મ નંબર -2 પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ઘટના 11.30 વાગ્યે બની હતી.