સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતાં લોકોને મદદરૂપ થવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખે તમામ ધારાસભ્યો અને સાંસદને કોવિડ કેર સેન્ટર બનાવીને લોકોને સારવારની અપીલ કરી છે. પ્રમુખની અપીલને પગલે કેટલાંક ધારાસભ્ય અને સંસદ સભ્યએ કોવિડ કેર સેન્ટર ચાલુ કરી દીધાં છે. પરંતુ ઓલપાડના ધારાસભ્યએ ઓલપાડ સ્મશાનને લાકડાનો ટેમ્પો આપીને વધુ લાકડાં આપવાની ખાત્રી આપી હતી.આટલું જ નહીં પરંતુ ધારાસભ્યએ લાકડા આપ્યાં તે અને વધુ લાકડાં આપવાની પોસ્ટ સોશિયલ મિડિયામાં પોસ્ટ કરતાં ટ્રોલ થઈ રહ્યાં છે. તેમના જ મત વિસ્તારના લોકોનો આક્રોશ ફાટી નિકળ્યો છે અને લોકો મરી જાય ત્યાર બાદ લાકડા આપવાના બદલે લોકોને બેડ, ઈન્જેક્શન, ઓક્સીજન અને વેન્ટીલેટર પુરા પાડીને લોકોના જીવ બચાવવા જોઈએ તેવી કોમેન્ટનો મારો થઈ રહ્યો છે.સુરત સહિત ગુજરાતમાં કોરોના સંક્રમણનો લોકો ભોગ બની રહ્યાં હોય ધારાસભ્ય, સાંસદ અને રાજકીય અગ્રણીઓ લોકોને સારવાર મળે તે માટે કોવિડ કોમ્યુનીટી અને આઈસોલેશન સેન્ટર ખોલી લોકોની સારવાર કરી રહ્યાં છે.
પ્રદેશ પ્રમુખની અપીલ બાદ અનેક જગ્યાએ આઈસોલેશન સેન્ટર ખુલી જતાં લોકોને થોડી રાહત મળી રહી છે. અન્ય વિસ્તાર કરતાં ઓલપાડની હાલત કફોડી થઈ રહી છે ઓલપાડ તાલુકામાં કોવિડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને મરણાંક પણ વધી રહ્યો છે. આવી સ્થિતિ છતાં પણ ઓલપાડ વિસ્તારમાં કોવિડની સારવાર માટે અનેક મુશ્કેલી પડી રહી છે તેવી ફરિયાદ થઈ રહી છે. આવી ફરિયાદ વચ્ચે ગઈ કાલે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે ઓલપાડ સ્મશાન ગૃહમાં લાકડાની અછત હોવાથી એક ટેમ્પો લાકડાનો મોકલી આપ્યો હતો. ધારાસભ્યએ લાકડાનો ટેમ્પો મોકલ્યો ત્યાં સુધી કોઈ વિવાદ ન હતો પરંતુ ધારાસભ્યએ આ અંગેની પોસ્ટ સોશિયલ મિડિયામાં વાઈરલ કરતાં તેઓ ટ્રોલ થઈ રહ્યાં છે. ધારાસભ્યના કેટલાંક સમર્થકોએ લાકડા આપવાની કામગીરીને બિરદાવી છે પરંતુ મોટા ભાગની કોમેન્ટ તેમની વિરૂધ્ધની થઈ રહી છે.