સુરત લાલગેટ પોલીસ મથકમાં પોલીસની ગુંડાગીરી જેવી ઘટના સામે આવી છે. એટલું જ નહીં પોલીસની આ ગુંડાગીરી નજીકના સીસીટીવીમાં પણ કેદ થઇ છે. ઘટના સૈયદપુરા પંપિગ સ્ટેશન પાસે બની. જ્યાં એક પોલીસ કર્મચારીએ એક મહિલાને જાહેરમાં માર માર્યો. આ પોલીસ કર્મચારી અને મહિલા વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ પોલીસકર્મીએ તેની વર્દીનો રૂઆબ દેખાડીને મહિલાને જાહેરમાં માર માર્યો હતો.
ઘટના કંઇક એવી હતી કે ભોગ બનનાર મહિલાના પુત્ર સહિત કુલ 3 યુવકોને પોલીસ કોઇ ગુનાના કામ સબબ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઇને આવી હતી. આ દરમિયાન આ મહિલા તેના પુત્રને છોડાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે પોલીસકર્મી સાથે તેની બોલાચાલી થઇ હતી. અને પોલીસકર્મીએ મહિલા સામે એવું વર્તન કર્યુ કે એક સ્ત્રી સામે જાહેરમાં આવું વર્તન કરવું એ કોઇ પોલીસકર્મીને શોભે નહીં.
પોલીસકર્મીએ જાહેરમાં આ મહિલાને જે રીતે માર માર્યો છે તેને લઇને સુરતમાં લાલગેટ પોલીસ મથકના આ પોલીસકર્મી સામે ચોતરફ ફિટકાર વરસી રહ્યો છે. તો સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટનાને સુરત લાલગેટ પોલીસમથકના પીઆઇ ખોટી ગણાવીને આ સમગ્ર વાત પર પડદો પાડી દેવા માંગે છે. અને તેઓ એવું કહી રહ્યા છેકે પોલીસકર્મી અને મહિલાની માત્ર બોલાચાલી થઇ હતી માર મારવાની વાત ખોટી છે.