વાંસદા તાલુકા રાણીફળીયા ગામમાંથી મદદનીશ વન સંરક્ષક અને આર.એફ.ઓ વાંસદા પશ્ચિમે છાપો માર્યો હતો. ફર્નિચર બનાવવાનું કામ કરનારાઓને ત્યાંથી સાગી લાકડાનો ટેમ્પો પકડી પાડ્યો હતો. જે ટેમ્પામાં લાકડા લાવ્યા હતાં તે લાકડા અને ટેમ્પો મળી ૨.૨૪ લાખ રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો.
વાંસદા વનસંરક્ષક ડી.કે.સાધુ અને આર.એફ.ઓ જે.ડી.રાઠોડને બાતમી મળી હતી કે, વાંસદાના રાણીફળિયામાં ફર્નિચર બનવવાનું કામ કરે છે, તે નાનુ ભીમજી પટેલના ઘરના આંગણામાં સાગી ચોરસા અને ફર્નિચર બનાવવાનું કામ ચાલે છે. ત્યાં છાપો મારતા ત્યાંથી સાગી ચોરસા નંગ 02 તથા પરવાનગી વગર રાખેલા બીજા સાગના લાકડાનો જથ્થો પકડ્યો હતો.
પૂછપરછ કરતાં લાકડા ચોરીની આખી ચેઈન પકડાઈ
આ અંગે પૂછપરછ કરતાં નાનુ લીમજી પટેલે કબૂલ કર્યું હતું કે, આ મુદ્દામાલ શરા ગામના દિનેશ મગને ટેમ્પો નં જીજે-21-વી-6241માં ભરીને ઉતારી ગયા હતાં. એટલે, શરા ગામમાંથી દિનેશની પણ અટકાયત કરી હતી. તેણે પણ પૂછપરછમાં જણાવ્યું હતું કે, રાજેશ ગોવિંદ નાયકા જે હાલમાં ખરજઇમાં રહે છે તે અને અર્જુન જશવંત નાયકા, ચેતન છોટુભાઈ ચૌધરી સાથે કાળાઆંબાના રહીશ દિનેશભાઇ કેશુભાઈ સાપરા, અશ્વિનભાઈ ગંગારામ પવનજી રહે.કાળા આંબા અને ટેમ્પો મલિક મહેશભાઈ પરશોતભાઈ હોલીપાડા દ્વારા અંબિકા નદી કિનારે સાગી લાકડા કાપી રાખી મુકેલા અને આ મુદ્દામાલ ટેમ્પોમાં ભર્યા હતાં. આ કબૂલાતને પગલે હોલીપાડા ગામમાંથી મહેશ પટેલ તથા ચોરીના લાકડામાં વપરાયેલો ટાટા ટેમ્પો નં-જીજે-21-વી-6341નો કબજો લીધો હતો. ટેમ્પો માલિક મહેશના ઘરે વધુ તપાસ કરતા પાસ પરવાનગી વગરના સિસમના 17 નંગ લાકડા મળી આવ્યા હતાં. આ તમામ લાકડા અને ટેમ્પો મળીને રૂ. 2,24,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.