સુરતઃ શહેરના ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો દબદબો બન્યો છે. આ વિસ્તારમાં ગુનાખોરીની ઘટનાઓ સામે આવી રહી છે. આ જ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ગુરુવારે મોડી રાત્રે સારવારમાં વિલંબથી ઉશ્કેરાયેલા યુવકોએ ફરજ પરની નર્સ પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હોસ્પિટલમાં લાગેલા કેમેરામાં કેદ થયા હતા.
સારવારમાં વિલંબ કરવા બદલ હોસ્પિટલમાં તોડફોડ અને નર્સ પર હુમલો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગુરુવારે રાત્રે ત્રણ યુવકો ડિંડોલી વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ત્રણ પૈકી એક યુવકને હાથમાં ઈજા થઈ હતી. અન્ય બે યુવકો ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેની સારવારમાં થોડો વિલંબ થતાં ઇજાગ્રસ્ત યુવક ઉશ્કેરાઇ ગયો હતો. હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી હતી અને પછી ફરજ પરની નર્સ પર જીવલેણ હુમલો કરીને ઘાયલ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટના હોસ્પિટલમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે સારવાર માટે આવેલા એક યુવકને હાથમાં ઈજા થઈ હતી અને તે તેના મિત્રો સાથે લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ પહોંચ્યો હતો. જોકે, હોસ્પિટલમાં હાજર સ્ટાફ યુવકની સારવાર માટે જઈ રહ્યો હતો ત્યારે એક યુવકે નર્સ પર હુમલો કર્યો હતો. જેથી હોસ્પિટલ સ્ટાફે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ત્રણેય યુવકોની ધરપકડ કરી હતી.