સુરતના ડિંડોલીના એક યુવકે નવસારીમાં ફાર્મમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને તપાસ હાથ ધરી હતી. યુવકે લખેલી સુસાઈડ નોટ અને આપઘાતનો વીડિયો ફેસબૂક પર પોસ્ટ કર્યો હતો. જેના આધારે પોલીસ તપાસ કરી રહી છે.
ફાર્મમાં આપઘાત કર્યો
મળતી માહિતી પ્રમાણે, ડિંડોલી વિસ્તારમાં આવેલા મહાદેવ નગરમાં અમૃત સોનવણે પરિવાર સાથે રહેતો હતો. સુરતના બિલ્ડરને ત્યાં જમીન દલાલ તરીકે કામ કરતો હતો. આજે તેણે પોતાના ફેસબૂક પેઈઝ પર સુસાઈડ નોટ અને સુસાઈડનો વીડિયો પોસ્ટ કર્યા હતા. દરમિયાન નવસારીના ધામણ ગામ ખાતે આવેલા ફાર્મના એક રૂમમાંથી લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. અને સુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
સુસાઈડ નોટમાં શું લખ્યું છે?
અમૃત સોનવણેએ સુસાઈડ નોટમાં પોતાના નામ બાદ તે જ્યાં કામ કરતો હતો તેના ચાર માલિકના નામ લખ્યા છે. અને લખ્યું હતું કે, હું અમૃત સોનવણે પ્રાણ ત્યાગ કરવા જઈ રહ્યો છું. કેમ કે મને એટલી હદે પરેશાન કરવામાં આવ્યો છે. મારી પાસે એટલું કામ કરાવ્યું છે. મારી ઈમાનદારીનો ફાયદો ઉઠાવ્યો છે. ત્યારબાદ 29 જેટલી મિલકતોનો નામ લખ્યા છે. ત્યારબાદ લખ્યું છે કે, આ તમામ જમીનોમાં એનઆઈએથી લઈને તમામ જગ્યાઓ પર ઈમાનદારીથી કામ કર્યું છે પણ મારી સાથે ફ્રોડ થયો છે. મને લાલચ આપવામાં આવી હતી કે, વળતર આપીશું. જોકે, કંઈ આપ્યું નથી. પગાર 25000 અને પેટ્રોલ-ગાડી પણ મારી જેમાં 12000 ખર્ચ થતો હતો. 13 હજારમાં ઘર કેવીરીતે ચલાવવું તે ઘણી વાર રજૂઆત કરી હતી. આ લોકો ગદ્દાર છે. આ લોકોને સજા જરૂર આપજો જેથી બીજા સાથે આવું ન કરે.
વીડિયોમાં શું બોલે છે?
આપઘાત કરનાર અમૃત સોનવણેએ આપઘાત પહેલાં અને આપઘાતનો વીડિયો ફેસબૂકમાં મૂક્યો છે. જેમાં જણાવે છે કે, દોસ્તો, હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. મારા શેઠોએ બહું હેરાન પરેશાન કર્યો છે. આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. હું આવો ન હતો મને આવી સ્થિતિમાં લાવી દીધો છે. મારા શેઠોને છોડશો નહીં. બધુ કામ કરાવી લીધું અને ગદ્દારી કરી છે. 17-18 વર્ષની મહેનત પાણીમાં જતી રહી. રાત-દિવસ મહેનત કરીને કંઈ મળ્યું નહીં. મારા બાળકો-માતા-પિતાનું ધ્યાન રાખજો. આ મારા એકલાની નહીં મારા આખા પરિવારની આત્મહત્યા છે. આ લોકોએ આવું ન કરવું જોઈતું હતું. માગ્યું શું હતું લાખો-કરોડો રૂપિયા તો નહોતા માગ્યા, મારું ઘર ચલાવું તેટલો પગાર માગ્યો હતો. એ પણ ન આપ્યો આ લોકોએ. મને માફ કરજો પત્ની, બાળકો, માતા-પિતાની માફી માંગું છું. કંટાળી ગયો હતો.