પર્યાવરણ સંરક્ષણમાં અનોખું યોગદાન, 90 હજાર સીડબોલ દ્વારા જંગલ વિસ્તારોમાં હરિયાળી લાવવાનો સંકલ્પ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના રહેવાસી અને વીજ વિભાગના કર્મચારી વિજેશભાઈ ગામીતની પર્યાવરણ લક્ષી કામગીરીની વિશેષ નોંધ લીધી છે. વિજેશભાઈ દ્વારા ચલાવવામાં આવતા ‘સીડબોલ’ અભિયાનથી પ્રભાવિત થઈને મુખ્યમંત્રીશ્રીએ તેમને શુભેચ્છા પત્ર પાઠવ્યો છે. આ પત્રમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે કે વિજેશભાઈ જેવા કર્મયોગીઓ જ્યારે વિશ્વ પર્યાવરણ સંકટનો સામનો કરી રહ્યું છે, ત્યારે શાંતિ અને નિષ્ઠાપૂર્વક પ્રકૃતિના જતન માટે જે કાર્ય કરી રહ્યા છે તે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. ગુજરાતને હરિયાળું બનાવવાના રાજ્ય સરકારના સંકલ્પમાં આ એક અમૂલ્ય યોગદાન છે.
‘એક પેડ મા કે નામ’ અભિયાનને બળ આપતું વિજેશભાઈનું યોગદાન
મુખ્યમંત્રીશ્રીએ પોતાના સંદેશમાં ભારપૂર્વક જણાવ્યું કે વૃક્ષો એ પર્યાવરણના ફેફસાં સમાન છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અને સોલાર પોલિસી જેવા મહત્વના અભિયાનો પર્યાવરણ સુરક્ષા માટે પાયાના પથ્થર છે. વિજેશભાઈની કામગીરી આ વૈશ્વિક અને રાષ્ટ્રીય અભિયાનોને વેગ આપનારી સાબિત થશે. પર્યાવરણ સંરક્ષણ માટે સરકારના પ્રયાસોમાં જ્યારે જનભાગીદારી જોડાય છે ત્યારે તેના પરિણામો ખૂબ જ હકારાત્મક આવે છે. વિજેશભાઈની આ નિઃસ્વાર્થ સેવા આવનારી પેઢીને વધુ શુદ્ધ હવા અને હરિયાળું વાતાવરણ પૂરું પાડવામાં મદદરૂપ થશે.
વૈજ્ઞાનિક પદ્ધતિથી સીડબોલનું નિર્માણ અને વાવેતરની અનોખી રીત
વિજેશભાઈની કાર્યપદ્ધતિ ખૂબ જ રસપ્રદ અને વૈજ્ઞાનિક છે. તેઓ દેશી ગાયનું છાણ, સેન્દ્રીય ખાતર, માટી અને વિવિધ વનસ્પતિના બીજનું મિશ્રણ કરીને નાના-નાના ગોળા એટલે કે ‘સીડબોલ’ તૈયાર કરે છે. આ સીડબોલનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને જંગલોના એવા દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં ફેંકવામાં આવે છે જ્યાં માણસનું પહોંચવું મુશ્કેલ હોય છે. ચોમાસા દરમિયાન જ્યારે વરસાદી પાણી આ સીડબોલ પર પડે છે, ત્યારે તે કુદરતી રીતે અંકુરિત થાય છે. આ પદ્ધતિથી કોઈપણ પ્રકારના મોટા ખર્ચ કે ખોદકામ વગર વેરાન જમીન પર પણ વૃક્ષારોપણ કરી શકાય છે.
પાંચ વર્ષમાં ૫ લાખ સીડબોલ વાવવાનો પર્યાવરણ પ્રેમીનો લક્ષ્યાંક
વિજેશભાઈએ અત્યાર સુધીમાં ડાંગની ઉત્તર-દક્ષિણ રેન્જ અને તાપી જિલ્લાના ગીચ વન વિસ્તારોમાં અંદાજે ૯૦ હજાર જેટલા સીડબોલનું વિતરણ કરીને સફળતાપૂર્વક વૃક્ષારોપણ કર્યું છે. તેમની મહેનત હવે એક મોટા અભિયાનનું સ્વરૂપ લઈ રહી છે. તેમણે આગામી પાંચ વર્ષમાં ગુજરાતના વેરાન પ્રદેશોમાં ૫ લાખ સીડબોલ નાખવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. વીજ વિભાગમાં પોતાની ફરજ બજાવવાની સાથે પ્રકૃતિ પ્રત્યેનો તેમનો આ લગાવ અન્ય સરકારી કર્મચારીઓ અને નાગરિકો માટે ઉદાહરણ પૂરું પાડે છે. આ પ્રકારના વ્યક્તિગત પ્રયાસો જ ભવિષ્યમાં ક્લાયમેટ ચેન્જ જેવી સમસ્યાઓ સામે લડવામાં સક્ષમ બનાવશે.

