ધાર્મિક યાત્રા માટે 5 કલાક સુધી ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર ફ્લાઇટ સેવા રોકી દેવામાં આવી; જાણો શું છે કેરળની આ અનોખી પરંપરા?
કેરળના તિરુવનંતપુરમમાં એક એવી ઘટના જોવા મળી જે વિશ્વમાં કદાચ બીજે ક્યાંય જોવા નહીં મળે. શ્રી પદ્મનાભસ્વામી મંદિરના પવિત્ર ‘પૈંકુની અરાત્તુ’ (Painkuni Arattu) ઉત્સવની શોભાયાત્રાને માર્ગ આપવા માટે ગુરુવારે ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તમામ ઉડાન સેવાઓ આશરે 5 કલાક માટે રોકી દેવામાં આવી હતી. આ કોઈ આકસ્મિક ઘટના નથી, પરંતુ દાયકાઓથી ચાલી આવતી એક અતૂટ પરંપરા છે, જે એરપોર્ટના રનવે પરથી પસાર થાય છે.
વર્ષમાં બે વાર થંભી જાય છે એરપોર્ટની ગતિ
તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (TIAL) ના જણાવ્યા અનુસાર, ગુરુવારે સાંજે 4:45 વાગ્યે ફ્લાઇટ ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું, જે રાત્રે 9 વાગ્યે શોભાયાત્રા પરત ફર્યા બાદ ફરી શરૂ થયું હતું. ઉલ્લેખનીય છે કે, એરપોર્ટ સત્તાવાળાઓ વર્ષમાં બે વાર આ રીતે પોતાની સેવાઓ સ્થગિત કરે છે અને ફ્લાઇટ્સ રી-શેડ્યૂલ કરે છે. એક વાર ઓક્ટોબર-નવેમ્બરમાં ‘અલ્પાસી’ ઉત્સવ વખતે અને બીજી વાર માર્ચ-એપ્રિલમાં ‘પૈંકુની’ ઉત્સવ દરમિયાન રનવેને ભગવાન માટે સમર્પિત કરવામાં આવે છે.
રાજવી ઠાઠ અને અતૂટ શ્રદ્ધાની શોભાયાત્રા
આ વિશ્વ પ્રસિદ્ધ શોભાયાત્રા મંદિરેથી સાંજે 5 વાગ્યે શરૂ થઈ હતી. જેમાં ત્રાવણકોર રાજવી પરિવારના પુરુષ સભ્યોની સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, શણગારેલા હાથીઓ, ઘોડેસવાર પોલીસ ટુકડી અને પોલીસ બેન્ડ સામેલ હતા. ત્રાવણકોર રાજવી પરિવારના વર્તમાન વડા, શ્રી મૂલમ તિરુનલ રામ વર્માએ પરંપરાગત પોશાક અને હાથમાં પવિત્ર તલવાર ધારણ કરી એરપોર્ટના ટરમેક (રનવે) પરથી આ યાત્રાનું નેતૃત્વ કર્યું હતું. આ યાત્રા રનવે પરથી પસાર થઈને શંકુમુખમ દરિયાકાંઠે પહોંચી હતી.
દરિયાકાંઠે પવિત્ર સ્નાન અને ધાર્મિક વિધિ
આ પરંપરા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ભગવાનની મૂર્તિઓને પવિત્ર સ્નાન કરાવવાનો છે. શોભાયાત્રા દરમિયાન ભગવાન પદ્મનાભ સ્વામી, નરસિંહ મૂર્તિ અને કૃષ્ણ સ્વામીના ‘ઉત્સવ વિગ્રહો’ને રનવે પર સ્થિત ખાસ ‘અરાત્તુ મંડપમ’ માં થોડીવાર માટે રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ શંકુમુખમ બીચ પર મૂર્તિઓને પવિત્ર ડૂબકી લગાવડાવી, પરંપરાગત મશાલોના અજવાળે ફરી એ જ રનવે પરથી શોભાયાત્રા દ્વારા મંદિરે પરત લાવવામાં આવી હતી. એરપોર્ટના રનવે પર શ્રદ્ધા અને વિજ્ઞાનનો આ સંગમ જોવા જેવો હતો.
સદીઓ જૂનો ઈતિહાસ અને રાજાનું વચન
આ પરંપરા એરપોર્ટ બન્યા પહેલાની છે. ઈતિહાસકારોના જણાવ્યા મુજબ, જ્યારે 1932માં આ જગ્યાએ એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું હતું, ત્યારે ત્રાવણકોરના તત્કાલીન રાજા શ્રી ચિથિરા તિરુનલે સ્પષ્ટ શરત મૂકી હતી કે આ એરપોર્ટ વર્ષના 363 દિવસ સામાન્ય જનતા માટે અને 2 દિવસ રાજવી પરિવારના કુળદેવતા ભગવાન પદ્મનાભ માટે રહેશે. અદાણી ગ્રુપ દ્વારા એરપોર્ટનું સંચાલન સંભાળ્યા પછી પણ આ શ્રદ્ધા અને પરંપરાને અકબંધ રાખવામાં આવી છે.
એરપોર્ટ સત્તાવાળાઓએ સોશિયલ મીડિયા પર આ પવિત્ર પળોની તસવીરો શેર કરતા લખ્યું હતું કે, શ્રદ્ધા સમય અને સ્થાનની સીમાઓથી પર હોય છે. ભલે આધુનિક ટેકનોલોજી આસમાને પહોંચી હોય, પરંતુ કેરળની આ વિરાસત આજે પણ રનવે પર અડીખમ ઉભી છે.

