સરદાર પટેલ રમત સંકૂલના ખેલાડીએ રાજ્યસ્તરે વધાર્યુ ભાવનગરનું ગૌરવ
ભાવનગરના સરદાર પટેલ રમત સંકૂલ ખાતે તાલીમ મેળવી રહેલા પ્રતિભાશાળી ખેલાડી તીર્થરાજ વી. નિસરતાએ લોન ટેનિસ સ્પર્ધામાં શાનદાર દેખાવ કર્યો છે. ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશન દ્વારા આયોજિત વિવિધ રેન્કિંગ સ્પર્ધાઓમાં આ ખેલાડીએ પોતાની રમતનું હીર ઝળકાવ્યું છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાયેલી અલગ-અલગ ટુર્નામેન્ટમાં તીર્થરાજે અનેક મેડલ જીતીને ભાવનગરનું નામ રોશન કર્યું છે.
અમદાવાદ અને ભાવનગરની સ્પર્ધાઓમાં મેળવ્યું પ્રથમ સ્થાન
તીર્થરાજે ૧૭ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં યોજાયેલી સ્પર્ધામાં મેન્સ સિંગલ્સ, મેન્સ ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સ એમ ત્રણેય શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવીને ક્લીન સ્વીપ કર્યું હતું. ત્યારબાદ ૨૪ થી ૨૬ જાન્યુઆરીએ ભાવનગરમાં રમાયેલી મેચોમાં પણ તેણે મેન્સ સિંગલ્સમાં પ્રથમ અને ડબલ્સમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું. ફેબ્રુઆરીમાં ફરી એકવાર અમદાવાદ ખાતે રમાયેલી સ્પર્ધામાં મેન્સ ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સમાં જીત મેળવી પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે.
ભાવનગર રમત સંકૂલની વિવિધ યોજનાઓ બની આશીર્વાદરૂપ
ભાવનગર જિલ્લા રમત વિકાસ અધિકારી સુનીલભાઈ ચૌધરીએ જણાવ્યું કે સરદાર પટેલ રમત સંકૂલ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ઘણી કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. અહીં ‘પે એન્ડ પ્લે’, ખેલો ઇન્ડિયા સેન્ટર અને ડી.એલ.એસ.એસ. જેવી સુવિધાઓ હેઠળ ખેલાડીઓને આધુનિક માર્ગદર્શન મળે છે. આ તાલીમના કારણે જ તીર્થરાજ જેવા ખેલાડીઓ આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી રહ્યા છે.
જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા ખેલાડીને અભિનંદન
તીર્થરાજ નિસરતાના આ ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ભાવનગર દ્વારા તેને ખાસ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત આ કેન્દ્રમાં ખેલાડીઓને જે રીતે પ્રોત્સાહન અને સુવિધાઓ આપવામાં આવે છે, તેનાથી આવનારા સમયમાં ભાવનગરના વધુ ખેલાડીઓ ટેનિસ સહિતની અન્ય રમતોમાં પણ ગુજરાતનું ગૌરવ વધારશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
