માત્ર USB-C પોર્ટ જોઈને છેતરાતા નહીં, તેની પાછળ છુપાયેલું છે સ્પીડનું મોટું ગણિત
આજના સમયમાં જો તમે કોઈ નવું ગેજેટ ખરીદો—પછી તે સ્માર્ટફોન હોય, લેપટોપ હોય કે વાયરલેસ ઈયરફોન્સ—તમને એક વસ્તુ બધે જ કોમન જોવા મળશે, અને તે છે USB-C પોર્ટ. આપણે દિવસમાં ઘણી વાર આ પોર્ટનો ઉપયોગ કરીએ છીએ, કેબલ લગાવીએ છીએ અને ડેટા ટ્રાન્સફર કરીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય ઉભા રહીને વિચાર્યું છે કે આખરે આ ‘C’ નો અર્થ શું છે?
ઇન્ટરનેટ પર અને સામાન્ય વાતચીતમાં ઘણા લોકો એવો દાવો કરે છે કે ‘C’ નો અર્થ ‘Charging’ (ચાર્જિંગ) છે કારણ કે તેનાથી ફોન જલ્દી ચાર્જ થાય છે. કેટલાકને લાગે છે કે તેનો અર્થ ‘Cable’ (કેબલ) કે ‘Connect’ (કનેક્ટ) છે. પરંતુ સત્ય તો એ છે કે આમાંથી એક પણ જવાબ સાચો નથી.
ચાલો, ટેકનોલોજીની આ ગૂંચવાયેલી દુનિયાને થોડી સરળ બનાવીએ અને જાણીએ કે USB-Cની અસલી રમત શું છે.
‘C’નો અર્થ: નથી પાવર, નથી કોઈ ફીચર, માત્ર એક ‘નામ’
સૌ પ્રથમ તો એ ગેરસમજ દૂર કરી લો કે ‘C’ કોઈ ખાસ ટેકનોલોજી કે ફીચર દર્શાવે છે. હકીકતમાં, USB-C માં ‘C’ નો અર્થ માત્ર અને માત્ર તેની ડિઝાઇન અને શેપ (આકાર) સાથે છે.
આ સમજવા માટે આપણે થોડું પાછળ જઈને જોવું પડશે. USB (Universal Serial Bus) ની સફરમાં એબીસીડી (Alphabet) મુજબ નામ રાખવામાં આવ્યા હતા:
-
USB-A: આ એ ચોરસ અને મોટું પોર્ટ છે જેને આપણે વર્ષોથી કોમ્પ્યુટર અને પેનડ્રાઈવમાં જોતા આવ્યા છીએ. તેને ઉલટું લગાવવાની કોશિશમાં આપણે ઘણી વાર પરેશાન થતા હતા.
-
USB-B: આ થોડું ચોરસ આકારનું હતું, જેનો ઉપયોગ અવારનવાર પ્રિન્ટર કે જૂની હાર્ડ ડ્રાઈવમાં થતો હતો.
-
USB-C: વર્ષ 2014 માં જ્યારે એક નવું, નાનું અને બંને બાજુથી લગાવી શકાય તેવું (Reversible) કનેક્ટર તૈયાર થયું, ત્યારે તેને આ સિરીઝનો આગળનો અક્ષર એટલે કે ‘C’ નામ આપી દેવામાં આવ્યું.
તો હવે પછી કોઈ તમને પૂછે, તો બિન્દાસ કહેજો કે ‘C’ માત્ર એક ડિઝાઇનનું નામ છે!
USB-Cની અસલી ખૂબી: રિવર્સિબિલિટી (Reversibility)
USB-Cના આવ્યા પહેલા મોબાઈલ ચાર્જિંગ કરવું એ કોઈ યુદ્ધથી ઓછું નહોતું. માઈક્રો-USB કેબલને અંધારામાં ફોનમાં લગાવવી અશક્ય હતી કારણ કે તેને સીધી લગાવવી જરૂરી હતી. USB-C એ આ માથાકૂટ ખતમ કરી દીધી. તેની અંદર 24 પિન હોય છે જે એવી રીતે ગોઠવાયેલી હોય છે કે તમે કેબલને ગમે તે બાજુથી લગાવો, તે કામ કરશે જ. આને જ ‘રિવર્સિબલ ડિઝાઇન’ કહેવામાં આવે છે.
દેખાવમાં એક સરખા, પણ કામમાં જમીન-આસમાનનો તફાવત!
અહીં જ સૌથી મોટો છેતરપિંડી થાય છે. મોટાભાગના લોકો એમ સમજે છે કે જો તેમની પાસે USB-C કેબલ છે, તો તેમને સૌથી ફાસ્ટ ચાર્જિંગ અને સુપરફાસ્ટ ડેટા સ્પીડ મળશે. પરંતુ હકીકત કંઈક અલગ છે.
USB-C માત્ર એક ‘દરવાજો’ (Port Design) છે, તે દરવાજા પાછળનો ‘રસ્તો’ (Technology) અલગ હોઈ શકે છે.
-
જૂનું એન્જિન, નવો ડબ્બો: કેટલાક સસ્તા સ્માર્ટફોન્સમાં USB-C પોર્ટ તો હોય છે, પણ અંદરની ટેકનોલોજી જૂની USB 2.0 વાળી હોય છે. એટલે કે તે જોવામાં તો આધુનિક લાગે છે, પણ ડેટા ટ્રાન્સફરની સ્પીડ તો એ જ જૂની કાચબા ગતિવાળી હોય છે.
-
સુપરફાસ્ટ રસ્તાઓ: બીજી તરફ, મોંઘા લેપટોપ અને ફ્લેગશિપ ફોન્સમાં આ જ પોર્ટ USB 3.2, USB 4 કે Thunderbolt ટેકનોલોજી સાથે આવે છે. આ એટલા પાવરફુલ હોય છે કે એક જ કેબલથી તમે 4K મોનિટર કનેક્ટ કરી શકો છો, વીજળીની ઝડપે ડેટા મોકલી શકો છો અને તમારું લેપટોપ પણ ચાર્જ કરી શકો છો.
પોર્ટ પર બનેલા ‘નિશાનો’ ને ઓળખતા શીખો
બહારથી તમામ USB-C પોર્ટ એક સરખા દેખાતા હોવાથી, કંપનીઓ તેના પર નાના-નાના નિશાન (Labels) બનાવે છે જેથી તમે છેતરાઈ ન જાઓ:
-
વીજળીનું નિશાન (Lightning Bolt): જો પોર્ટ પાસે આ નિશાન હોય, તો સમજી જવું કે આ Thunderbolt પોર્ટ છે. આ સૌથી શક્તિશાળી વર્ઝન છે.
-
PD (Power Delivery): આ નિશાન જણાવે છે કે આ પોર્ટ ખૂબ જ ઝડપથી પાવર સપ્લાય કરી શકે છે, જેનાથી લેપટોપ જેવા મોટા ઉપકરણો પણ ચાર્જ થઈ શકે છે.
-
SS (SuperSpeed): આનો અર્થ એ છે કે આ પોર્ટ હાઈ-સ્પીડ ડેટા ટ્રાન્સફર માટે બનાવવામાં આવ્યું છે.
ભવિષ્ય માત્ર USB-Cનું છે
યુરોપિયન યુનિયન (EU) એ તો હવે ફરજિયાત કરી દીધું છે કે તમામ ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં એક જ ચાર્જિંગ પોર્ટ એટલે કે USB-C હોવું જોઈએ. Apple એ પણ તેના નવા iPhones માં જૂનું પોર્ટ છોડીને USB-C અપનાવી લીધું છે. આનો અર્થ એ છે કે આવનારા સમયમાં તમારે દરેક ડિવાઇસ માટે અલગ ચાર્જર શોધવાની જરૂર નહીં પડે.
ટૂંકમાં વાત એ છે કે USB-C માં ‘C’ કોઈ ફીચરનું ટૂંકું નામ નથી, પરંતુ તે ટેકનોલોજીના વિકાસનો એક તબક્કો છે. આ પોર્ટ જેટલું બહારથી સરળ દેખાય છે, તેની અંદરનું એન્જિનિયરિંગ તેટલું જ જટિલ અને તાકાતવર છે!

USB-Cની અસલી ખૂબી: રિવર્સિબિલિટી (Reversibility)