અમેરિકા જવાનું સપનું જોતા લોકો માટે માઠા સમાચાર: વિઝા ઇન્ટરવ્યુ બુકિંગમાં મુશ્કેલી
અમેરિકા જવા ઈચ્છતા ભારતીય પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગ માટે હાલમાં એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. યુએસ વિઝા પ્રોસેસિંગ માટે વપરાતી મહત્વની વેબસાઈટ ‘USTravelDocs.com’ માં ટેકનિકલ ખામી સર્જાઈ છે, જેને કારણે વિશ્વભરના વિઝા અરજદારો, ખાસ કરીને ભારતીયો, ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉનાળાની સીઝન અને આગામી FIFA વર્લ્ડ કપ 2026 ને ધ્યાનમાં રાખીને જ્યારે વિઝાની માંગ ખૂબ વધારે છે, ત્યારે આ ટેકનિકલ સમસ્યાએ લાખો લોકોની મુસાફરીની યોજનાઓ પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે.
શું છે આ સમગ્ર સમસ્યા?
અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા વિઝા પ્રોસેસિંગ માટે મુખ્યત્વે ત્રણ વેબસાઈટનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાંથી ‘USTravelDocs.com’ સૌથી મહત્વની છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી આ વેબસાઈટ પર સતત ટેકનિકલ સમસ્યાઓ જોવા મળી રહી છે. આ સમસ્યા એટલી ગંભીર છે કે અરજદારો પોતાના વિઝા ફોર્મ ભરી શકતા નથી, પ્રોસેસિંગ ફી ચૂકવી શકતા નથી કે વિઝા ઈન્ટરવ્યુ માટે એપોઈન્ટમેન્ટ બુક કરી શકતા નથી.
આ વેબસાઈટના દરેક દેશના પોર્ટલ પર એક સત્તાવાર નોટિસ મૂકવામાં આવી છે જેમાં લખ્યું છે કે, “શેડ્યુલિંગ પોર્ટલ હાલમાં ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, જેના કારણે અરજદારોને સિસ્ટમમાં ભૂલ (errors) આવી શકે છે. અમે આ અસુવિધા માટે માફી માંગીએ છીએ અને સમસ્યાને ઉકેલવા માટે કામ કરી રહ્યા છીએ.”
અરજદારો કેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે?
વપરાશકર્તાઓ તરફથી અનેક પ્રકારની ફરિયાદો મળી રહી છે. મુખ્યત્વે નીચે મુજબની સમસ્યાઓ સામે આવી છે:
વર્ચ્યુઅલ વેટિંગ રૂમ: વેબસાઈટ પર લોગ-ઈન કરવા માટે લાંબો સમય રાહ જોવી પડે છે.
પેમેન્ટ ફેલ્યોર: વિઝા પ્રોસેસિંગ ફી ચૂકવતી વખતે સિસ્ટમ હેંગ થઈ જાય છે અથવા વ્યવહાર નિષ્ફળ જાય છે.
લોગ-ઈન સમસ્યાઓ: યુઝર્સ તેમના એકાઉન્ટમાં લોગ-ઈન કરી શકતા નથી.
સંપૂર્ણપણે વેબસાઈટ ડાઉન: ઘણા કિસ્સાઓમાં વેબસાઈટ ખૂલતી જ નથી.
આ ટેકનિકલ ખામીને કારણે અરજદારો માટે ઈન્ટરવ્યુ સ્લોટ બુક કરવા કે ફી ભરવી અશક્ય બની ગઈ છે, જેનાથી પ્રોસેસિંગમાં અનિશ્ચિત વિલંબ થઈ રહ્યો છે.
ભારતીય અરજદારો પર તેની અસર
ભારતીય નાગરિકો માટે આ પરિસ્થિતિ વધુ ગંભીર છે કારણ કે ભારતમાં રહેલી યુએસ એમ્બેસી અને કોન્સ્યુલેટ વિઝા ફી ભરવા અને ઈન્ટરવ્યુ બુક કરવા માટે મુખ્યત્વે આ જ વેબસાઈટનો ઉપયોગ કરે છે. આ સમસ્યા માત્ર પ્રવાસી વિઝા (B1/B2) સુધી મર્યાદિત નથી, પરંતુ વિદ્યાર્થી વિઝા (F-1), વર્ક વિઝા (H-1B), અને ફેમિલી-બેઝ્ડ વિઝા સહિતના તમામ પ્રકારના વિઝા પર તેની અસર પડી રહી છે. જે વિદ્યાર્થીઓ આગામી સેમેસ્ટર માટે અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે આ સમયગાળો અત્યંત મહત્વનો છે.
ગ્રીન કાર્ડ અરજદારોની વધતી મુશ્કેલીઓ
આ સમસ્યા માત્ર નોન-ઈમમિગ્રન્ટ વિઝા સુધી સીમિત નથી. જે લોકો ગ્રીન કાર્ડ (ઈમમિગ્રન્ટ વિઝા) માટે બહારના દેશોમાંથી અરજી કરી રહ્યા છે, તેમને પણ મુશ્કેલી પડી રહી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટનું ‘Consular Electronic Application Center’ (CEAC), જેનો ઉપયોગ DS-260 ફોર્મ સબમિટ કરવા માટે થાય છે, તેમાં પણ ખામી જોવા મળી છે.
વિદેશ વિભાગના ટેકનિકલ નિષ્ણાતોનું કહેવું છે કે તેઓ સિસ્ટમ સુધારવા માટે કામ કરી રહ્યા છે. તેમણે એવા અરજદારોને સલાહ આપી છે જેમને હજુ પણ મુશ્કેલી પડી રહી છે, કે તેઓએ ઓછામાં ઓછા 24 કલાક રાહ જોવી જોઈએ અને ત્યારબાદ ફરી પ્રયાસ કરવો જોઈએ.

