બાળ સંભાળ અને સંરક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ બાળ ગોકુલમના અધિક્ષક ધૃમિલ દોશી સન્માનિત
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ વડોદરામાં કાર્યરત ‘બાળ ગોકુલમ’ સંસ્થા નિરાધાર અને જરૂરિયાતમંદ બાળકો માટે આશીર્વાદ સમાન બની છે. ૧૯૬૧થી કાર્યરત આ સંસ્થામાં એવા બાળકોને આશ્રય આપવામાં આવે છે જેઓ ખોવાઈ ગયા હોય, અનાથ હોય અથવા બાળ મજૂરી અને ટ્રાફિકિંગનો શિકાર બન્યા હોય. અહીં માત્ર આશરો જ નહીં, પણ બાળકને પરિવાર જેવી હુંફ અને પ્રેમ આપીને તેના સર્વાંગી વિકાસ પર ધ્યાન આપવામાં આવે છે. છેલ્લા એક દાયકામાં ૧૩૦૦થી વધુ બાળકોએ અહીં આશરો મેળવ્યો છે, જે સરકારની સંવેદનશીલતા દર્શાવે છે.
ઘર જેવું વાતાવરણ: શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કારનો ત્રિવેણી સંગમ
બાળ ગોકુલમમાં રહેતા બાળકોને રહેવા, જમવા અને ભણવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. બાળકોને પૌષ્ટિક અને ગુણવત્તાયુક્ત ભોજનની સાથે તાજા ફળો અને નાસ્તો આપવામાં આવે છે જેથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે. શિક્ષણ માટે તેમને નજીકની શાળાઓમાં મોકલવામાં આવે છે. આ ઉપરાંત, રમતગમત અને અન્ય ઇતર પ્રવૃત્તિઓ દ્વારા તેમના કૌશલ્યને ખીલવવામાં આવે છે. સંસ્થાનો મુખ્ય હેતુ બાળકને એક સામાન્ય અને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે તૈયાર કરવાનો છે.
ખોવાયેલા બાળકોનું પુનઃસ્થાપન: કાઉન્સેલિંગથી પરિવાર સાથે મિલાપ સુધીની સફર
જ્યારે કોઈ બાળક સંસ્થામાં આવે છે, ત્યારે નિષ્ણાતો દ્વારા તેનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. પ્રેમ અને વિશ્વાસ જીત્યા બાદ બાળક પાસેથી તેના પરિવારની વિગતો મેળવવામાં આવે છે. વડોદરા પોલીસ, ચાઇલ્ડ લાઇન અને અન્ય રાજ્યોના વહીવટી તંત્ર સાથે સંકલન સાધીને અત્યાર સુધીમાં ૯૦૦થી વધુ બાળકોને તેમના વાલીઓ સાથે સહીસલામત મિલાવવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે બાળક પરિવારને સોંપ્યા પછી પણ સંસ્થા ટેલિફોનિક કે રૂબરૂ મુલાકાત દ્વારા તેની સુરક્ષાની સતત ખાતરી કરે છે.
શ્રેષ્ઠ કામગીરીનું સન્માન: અધિક્ષક ધ્રુમિલ દોશીની સંવેદનશીલ સેવાને બિરદાવવામાં આવી
સંસ્થાના અધિક્ષક ધ્રુમિલ જયેશભાઈ દોશીના નેતૃત્વમાં ‘બાળ ગોકુલમ’ એ નોંધપાત્ર સફળતા મેળવી છે. તેમણે અને તેમની ટીમે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્હી અને નેપાળ જેવા વિસ્તારોના બાળકોને પણ રેસ્ક્યુ કરીને તેમના ઘરે પહોંચાડ્યા છે. માત્ર એક અઠવાડિયાના ટૂંકા ગાળામાં ૪૪ જેટલા ખોવાયેલા બાળકોને પરિવાર સાથે મિલાવવાની તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ તેમને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમની આ સેવા ભાવના અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની છે.

