ગેસ સિલિન્ડર ગેરવપરાશ રોકવા વડોદરા જિલ્લા તંત્રની વિશેષ ઝુંબેશ, એજન્ટની ધરપકડ સાથે મુદ્દામાલ જપ્ત
વડોદરા જિલ્લા વહીવટી તંત્રના પુરવઠા વિભાગ દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી ગેસ સિલિન્ડરના ગેરકાયદેસર વપરાશ અને સંગ્રહખોરી વિરુદ્ધ કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પુરવઠા વિભાગની ૧૪ જેટલી ટીમોએ સરકારી અને પ્રાઈવેટ ગેસ એજન્સીઓ સહિત હોટલો અને ખાણીપીણીના એકમો પર સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ન્યુ વીઆઈપી રોડ વિસ્તારમાં એક એજન્ટ પાસેથી ૨૪ ઘરેલું અને ૫ કોમર્શિયલ ગેસ સિલિન્ડરોનો અનધિકૃત જથ્થો મળી આવતા તેની ધરપકડ કરી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હવેથી દરેક ગેસ એજન્સી પર પોલીસ અને પુરવઠા વિભાગની ટીમ સતત નજર રાખશે.
શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોમાં ગેસ પુરવઠાનું સુચારુ આયોજન
જિલ્લા તંત્ર દ્વારા છેલ્લા બે દિવસમાં હોસ્પિટલો, વૃદ્ધાશ્રમો અને છાત્રાલયો જેવી સંવેદનશીલ સંસ્થાઓને પ્રાથમિકતા આપી ૨૭૮ સિલિન્ડરોનો જથ્થો સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યો છે. જેમાં પારૂલ ઇન્સ્ટિટ્યૂટ, એસ.એસ.જી. હોસ્પિટલ અને સમરસ છાત્રાલય જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. અન્ય ૯૬ સંસ્થાઓની જરૂરિયાત મુજબ વધારાના જથ્થાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તંત્રએ આ સંસ્થાઓને પીએનજી (PNG) કનેક્શન લેવા અને વીજીએલ (VGL) ને આ કામગીરી પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવા સૂચના આપી છે જેથી સિલિન્ડર પરની નિર્ભરતા ઘટી શકે.
હેલ્પલાઇન દ્વારા નાગરિકોની ફરિયાદોનું ત્વરિત નિરાકરણ
ગેસ પુરવઠાને લગતી મુશ્કેલીઓ માટે શરૂ કરાયેલી હેલ્પલાઇન નંબર પર અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ ફરિયાદો નોંધાઈ છે. નાગરિકોએ મુખ્યત્વે ગેસ બુકિંગમાં પડતી મુશ્કેલી અને બોટલ મળવામાં થતા વિલંબ અંગે પ્રશ્નો કર્યા હતા. કલેક્ટર કચેરીની ટીમે આ તમામ ફરિયાદો સાંભળીને નાગરિકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવા પગલાં લીધા છે. તંત્રનો ઉદ્દેશ્ય એ છે કે કોઈ પણ ગ્રાહકને વાજબી કારણ વગર રાંધણ ગેસ મેળવવામાં તકલીફ ન પડે.
પુરતો સ્ટોક ઉપલબ્ધ: અફવાઓથી દૂર રહેવા તંત્રની અપીલ
જિલ્લા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈએ નાગરિકોને પેનિક ન થવા અને અફવાઓથી દૂર રહેવા ખાસ વિનંતી કરી છે. ૧૪ માર્ચ ૨૦૨૬ની સ્થિતિએ વડોદરા જિલ્લામાં ઇન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ પાસે કુલ મળીને ૨૩,૭૦૦થી વધુ સિલિન્ડરનો સ્ટોક ઉપલબ્ધ છે. પૂરતો જથ્થો હોવાથી નાગરિકોએ બિનજરૂરી ચિંતા કરવાની જરૂર નથી. વહીવટી તંત્ર ગેસના વિતરણ પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને દરેક જરૂરિયાતમંદ સુધી ગેસ પહોંચાડવાની ખાતરી આપી છે.

