૨૮ ફેબ્રુઆરીથી રાષ્ટ્રવ્યાપી એચ.પી.વી. રસીકરણ અભિયાનનો પ્રારંભ
કિશોરીઓના આરોગ્યપ્રદ ભવિષ્ય અને ગર્ભાશયના મુખના કેન્સર (Cervical Cancer) સામે રક્ષણ આપવા માટે ભારત સરકાર દ્વારા ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬થી રાષ્ટ્રવ્યાપી એચ.પી.વી. (HPV) રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. વડોદરા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આ માટે ખાસ આયોજન કરાયું છે. આ અભિયાનમાં ખાસ કરીને ૧ જાન્યુઆરી ૨૦૧૧ થી ૨૯ ફેબ્રુઆરી ૨૦૧૨ વચ્ચે જન્મેલી તમામ દીકરીઓને આવરી લેવામાં આવશે, જેથી તેમને ભવિષ્યની ગંભીર બીમારીઓથી બચાવી શકાય.
‘ગાર્ડાસિલ 4’ રસીનો એક જ ડોઝ આપશે દીકરીઓને સુરક્ષા કવચ
આ અભિયાન હેઠળ દીકરીઓને ‘ગાર્ડાસિલ 4’ નામની સુરક્ષિત રસીનો માત્ર એક જ ડોઝ આપવામાં આવશે. આ રસી ડાબા હાથના સ્નાયુમાં આપવામાં આવશે. જોકે આ રસીકરણ સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે, પરંતુ દીકરીના સ્વાસ્થ્ય માટે વાલીઓની સંમતિ જરૂરી ગણવામાં આવી છે. રસી લીધા પછી કિશોરીની ઓળખ માટે તેની આંગળી પર અમીટ શાહીનું નિશાન પણ કરવામાં આવશે. જિલ્લાના તમામ સરકારી દવાખાનાઓ અને મેડિકલ કોલેજોમાં તબીબોની દેખરેખ હેઠળ આ કામગીરી ચાલશે.
રસી લેતા પહેલા નાસ્તો કરવો અનિવાર્ય અને સાવચેતીના પગલાં
આરોગ્ય વિભાગે વાલીઓને ખાસ અપીલ કરી છે કે દીકરીઓએ ખાલી પેટે રસી લેવા આવવું નહીં. રસી લેતા પહેલા ઘરેથી નાસ્તો કરીને આવવું અથવા રસીકરણ કેન્દ્ર પર ઉપલબ્ધ નાસ્તાની સુવિધાનો લાભ લેવો હિતાવહ છે. રસી લીધા બાદ ૩૦ મિનિટ સુધી કિશોરીને ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. આ રસી સંપૂર્ણ સુરક્ષિત છે અને જો થોડો તાવ કે ચક્કર જેવી સામાન્ય અસર થાય તો તે બે દિવસમાં આપમેળે મટી જાય છે.
૨૪ કલાક હેલ્પલાઇન અને સહયોગ માટે તંત્રની અપીલ
વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ સામાજિક સંસ્થાઓ અને નાગરિકોને આ અભિયાનમાં જોડાવા વિનંતી કરવામાં આવી છે. જો કોઈને આ રસી બાબતે કોઈ પ્રશ્ન હોય કે તબીબી સહાયની જરૂર હોય, તો ૨૪ કલાક કાર્યરત હેલ્પલાઇન નંબર ૧૦૪ પર સંપર્ક કરી શકાય છે. તંત્રનો ઉદ્દેશ્ય છે કે વડોદરાની પ્રત્યેક પાત્ર દીકરી આ રસી મેળવીને કેન્સર જેવી જીવલેણ બીમારી સામે સુરક્ષિત બને.

