વડોદરા બાગાયત ખાતા દ્વારા મહિલાઓને ઝેરી રસાયણમુક્ત શાકભાજી ઉત્પાદન માટે કીચન ગાર્ડન તાલીમ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડોદરાના બાગાયત ખાતા દ્વારા સયાજીબાગ ખાતે એક દિવસીય કિચન ગાર્ડન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 60થી વધુ મહિલા તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. નાયબ બાગાયત નિયામક શ્રી અશ્વિનભાઈ પટેલે તાલીમાર્થીઓને ઘર આંગણે જ કિચન ગાર્ડન બનાવીને જંતુનાશક દવાઓથી મુક્ત અને શુદ્ધ શાકભાજી ઉગાડવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે સરકારની વિવિધ બાગાયતી યોજનાઓ વિશે પણ વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.
કિચન ગાર્ડન માટે વૈજ્ઞાનિક આયોજન અને ઋતુ મુજબ વાવેતર
આણંદ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાત ડૉ. રૂષભ મકવાણાએ જણાવ્યું હતું કે કોરોના કાળ પછી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધતા લોકો કિચન ગાર્ડન તરફ વળ્યા છે. તેમણે માર્ગદર્શન આપ્યું કે ગાર્ડન માટે પૂરતો સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યા પસંદ કરવી જોઈએ. લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે ધાણા અને પાલકને ઓછા સૂર્યપ્રકાશમાં પણ ઉગાડી શકાય છે, જ્યારે ટામેટા અને રીંગણ જેવા છોડ માટે પહેલા ધરુ તૈયાર કરવું જરૂરી છે. વેલવાળા શાકભાજી માટે મંડપ પદ્ધતિનો ઉપયોગ કરીને સારું ઉત્પાદન મેળવી શકાય છે.
ઝેરી રસાયણ મુક્ત ખોરાક અને આર્થિક બચત પર ભાર
મદદનીશ બાગાયત નિયામક શ્રીમતી દીપ્તી ભક્તે મહિલાઓને મહિલા દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે કિચન ગાર્ડન દ્વારા મહિલાઓ પોતાના પરિવારને ગંભીર બીમારીઓથી બચાવી શકે છે અને ઘરખર્ચમાં પણ બચત કરી શકે છે. તેમણે ‘માઈક્રોગ્રીન્સ’ અને જાપાનીઝ ટેકનીક ‘કોકાડોમા’ પદ્ધતિથી ઈન્ડોર પ્લાન્ટ્સ ઉગાડવાની સલાહ આપી હતી. આ પદ્ધતિઓથી માત્ર ઘરની શોભા જ નથી વધતી, પરંતુ બાળકોને સલાડ અને સૂપમાં પૌષ્ટિક આહાર પણ પૂરો પાડી શકાય છે.
તંદુરસ્તી માટે કિચન ગાર્ડન કિટનું વિતરણ
બાગાયત અધિકારી શ્રી રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે આજના પ્રદૂષિત વાતાવરણમાં કિચન ગાર્ડન એ માત્ર શોખ નહીં પણ જરૂરિયાત છે. તાલીમમાં સહભાગી થયેલા તાલીમાર્થીઓને વિવિધ શાકભાજીના બિયારણ અને કુદરતી ખાતર ધરાવતી ‘કિચન ગાર્ડન કિટ’નું વિતરણ કરવામાં આવ્યું હતું. જે નાગરિકો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેઓ વડોદરાની નાયબ બાગાયત નિયામકની કચેરીનો સંપર્ક કરી શકે છે. આ પહેલનો મુખ્ય હેતુ શહેરી વિસ્તારોમાં લોકોને ખેતી પ્રત્યે જાગૃત કરવાનો છે.

