ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં ક્ષયરોગ સામે મોટું પગલું, લાયન્સ ક્લબ દ્વારા ટ્રુનેટ મશીનોનું લોકાર્પણ
વડોદરા જિલ્લાના ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોના દર્દીઓ માટે સારા સમાચાર છે. લાયન્સ ક્લબ ઓફ બરોડા કરેલીબાગ અને લાયન્સ ક્લબ ઓફ ગોરવા દ્વારા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના સહયોગથી રૂ. ૬૦ લાખની કિંમતના પાંચ અત્યાધુનિક ‘ટ્રુનેટ’ (TrueNat) ડાયગ્નોસ્ટિક મશીનો આરોગ્ય વિભાગને ભેટ આપવામાં આવ્યા છે. આ મશીનોથી ટીબી (ક્ષય) રોગનું નિદાન હવે દર્દીના ઘરની નજીક જ શક્ય બનશે.
કયા કેન્દ્રોને મળશે આ સુવિધા?
આ અત્યાધુનિક મશીનો વડોદરા જિલ્લાના પાંચ મહત્વના સામૂહિક આરોગ્ય કેન્દ્રો (સી.એચ.સી.) ખાતે કાર્યરત કરવામાં આવ્યા છે: ૧. બાજવા ૨. ડભોઈ ૩. જરોદ ૪. મોટા ફોફળીયા ૫. કરજણ
ટ્રુનેટ મશીનના ફાયદા અને કાર્યપદ્ધતિ
ટ્રુનેટ મશીન એ મોલેક્યુલર ટેસ્ટિંગ માટેનું પોર્ટેબલ અને બેટરી સંચાલિત ઉપકરણ છે, જે ટીબીના નિદાનમાં ક્રાંતિ લાવ્યું છે:
-
ઝડપી નિદાન: આ મશીન દ્વારા ખૂબ જ ટૂંકા સમયમાં રિપોર્ટ મળી જાય છે, જેથી દર્દીની સારવાર તરત શરૂ કરી શકાય છે.
-
સચોટતા: તે ટીબીના જીવાણુઓની હાજરી સાથે તે દવા સામે પ્રતિકારક (Drug Resistant) છે કે નહીં તેની પણ જાણકારી આપે છે.
-
સંક્રમણ અટકાવવું: વહેલું નિદાન થવાથી સમાજમાં રોગ ફેલાતો અટકાવી શકાય છે.
લોકાર્પણ અને ઉમદા સેવા કાર્ય
એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ઇન્ટરનેશનલ ડાયરેક્ટર લાયન રમેશ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર હર્ષદ શાહ અને ચેરમેન પ્રતાપરાવ ભોઈટેએ આ સેવા કાર્ય પાછળનો ઉદ્દેશ્ય સમજાવતા જણાવ્યું કે, દાતાઓના સહયોગથી છેવાડાના માનવી સુધી આરોગ્ય સુવિધા પહોંચાડવાનો આ એક નમ્ર પ્રયાસ છે. કાર્યક્રમમાં નાયબ નિયામક ડૉ. એસ. જી. જૈન અને સી.ડી.એચ.ઓ. ડો. મિનાક્ષી ચૌહાણ સહિતના આરોગ્ય અધિકારીઓએ લાયન્સ ક્લબની આ પહેલને બિરદાવી હતી.

