વડોદરામાં જીઆઇડીસીમાં કંપની ધરાવતા અને ભાજપના કિસાન મોરચાના શહેર કારોબારી સભ્ય એવા વિનુ સનાભાઇ રાઠોડને પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી લેતા સબંધિત વર્તુળોમાં આ પ્રકરણ ભારે ચર્ચાનો વિષય બન્યું હતું.
પીસીબી પોલીસે રૂ.પાંચ લાખની કિંમતનો દારૂ અને બિયરની 1589 બોટલો જપ્ત કરી છે.
કંપનીમાં ફેબ્રીકેશનના ધંધામાં ખોટ જતા વિદેશી દારૂનો ધંધો કરનાર ફેક્ટરી માલિકને પીસીબી પોલીસે ઝડપી લઈ પૂછતાછ કરતા તેઓને ગભરામણ થતાં સારવાર માટે લઇ જવાયા હતા. પીઆઇ એસ. ડી. રાતડાને બાતમી મળી હતી કે, મકરપુરા જીઆઇડીસી પ્લોટ-7મા વરુણ ઇન્ડસ્ટ્રીઝ નામે ફેબ્રિકેશનના કારખાનામાં દારૂનો જથ્થો છે અને
તેના માલિક વિનુ સનાભાઇ રાઠોડ ફેબ્રિકેશનના ધંધાની આડમાં વિદેશી દારૂ વેચે છે.
આ બાતમીના આધારે પીએસઆઈ એસ. આર. પટેલ તથા ટીમે ફેક્ટરીમાં રેડ કરતા તપાસ દરમિયાન ઓફિસ માંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ વધુ તપાસ કરતા વરુણ ઇન્ડસ્ટ્રીઝમાં સંચાલક વિનુ રાઠોડ (રહે. સાનિધ્ય ડુપ્લેક્સ, સાંઇ ચોકડી, માંજલપુર) પાસે દારૂનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ઓફિસમાં ચેક કરતા વિદેશી દારૂની 869 બોટલ તથા બિયરના 720 ટીન મળી કુલ રૂપિયા 5 લાખ છ હજારનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે તેની પાસેથી બે મોબાઈલ કબ્જે લીધા હતા. પ્રાથમિક તપાસમાં તેણે જણાવ્યું હતું કે, સેલવાસ ખાતે રહેતા ધર્મેશ પાસેથી દારૂ લાવ્યો હતો તેમજ એક બોલેરો પીકઅપ જીપમાં ડ્રાઇવર તથા ચાર મજૂરો આ દારૂ ઉતારી ગયા હતા. પોલીસ દ્વારા પૂછપરછ ચાલતી હતી એ દરમ્યાન સંચાલકને ગભરામણ થઈ હતી અને છાતીમાં દુખાવાની ફરિયાદ તેણે કરી હતી. જેને પગલે 108 દ્વારા સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો જ્યાં એની સારવાર બાદ સ્વસ્થ થયા બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સેલ્વાસથી દારૂનું પોતે જ પાઇલોટિંગ કરી કંપનીમાં લાવ્યો હતો.
દેવું વધતાં કંપનીમાં દારૂનો ધંધો શરૂ કરનાર વિનુભાઈ શનાભાઈ રાઠોડ ભાજપના કિશાન મોરચાનો શહેર કારોબારીનો સભ્ય છે અને સોશિયલ મીડિયા ઉપર રાજકીય હસ્તીઓ સાથે ફોટા મૂકે છે. દારૂ સેલવાસથી બોલેરો પિક અપમાં ધર્મેશ પાસેથી મંગાવ્યો હોવાનું ખુલ્યું છે.