ભાજપે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે ગુજરાતની મુલાકાતે આવી રહયા છે.
આજે તારીખ 10 જુલાઈના રોજ તેઓ પંચમહાલ જિલ્લાના એક અને વડોદરા જિલ્લાના ત્રણ કાર્યક્રમમાં ભાગ લેવાના હોય સ્થાનિક ભાજપમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે અને કાર્યક્રમ સ્થળે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.
સવારે 11 વાગ્યે તેઓ ગોધરા પાસે લુણાવાડ હાઈવે નજીક પંચામૃત ડેરીની સામે આવેલા મેદાનમાં એક જાહેર સભામાં તેઓ ભાજપના નેતાઓ તથા કાર્યકર્તાઓને સંબોધન કરશે.
બપોરના 2.30 વાગ્યે તેઓ વડોદરા પહોંચશે. જ્યાં તેઓ વડોદરાના ભાજપના નેતાઓ તથા આગેવાનો સાથે ખાસ મુલાકાત કરશે. આજવા રોડ પંડિત દિનદયાલ ઉપાધ્યાય હોલમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે. અહીં પોણા ચાર વાગ્યા આસપાસ એક સંમેલન પણ યોજાશે.
આ કાર્યક્રમ અંતર્ગત વડોદરા લોકસભા વિસ્તારના ભાજપ સંગઠનના નેતાઓ તથા કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યે શ્રીજી પાર્ટીપ્લોટ કાર્યકર્તા સંવાદ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે.