વડોદરાના ડેસર પોલીસ મથકની મહિલા કોન્સ્ટેબલ મણીબેન ચૌધરીનું અપહરણ થયા બાદ ચાલુ રહેલી પોલીસ તપાસ વચ્ચે મધ્યપ્રદેશના નિમચમાં પોલીસે કારને આંતરી પોલીસ કોન્સ્ટેબલને છોડાવી હતી જોકે,અપહરણકારો ભાગી ગયા હતા. મધ્યપ્રદેશની નિમચ પોલીસે વડોદરા પોલીસને જાણ કરતા વડોદરા ગ્રામ્ય પોલીસની ત્રણ ટીમો આ મહિલા પોલીસ કોન્સ્ટેબલને લેવા મધ્યપ્રદેશ રવાના થઈ છે.
મૂળ બનાસકાંઠાના ડીસાની વતની અને હાલમાં વડોદરાના ડેસર પોલીસ મથકમાં ફરજ મહિલા કોન્સ્ટેબલ મણીબેન ચૌધરી બે દિવસ પૂર્વે સવારે પોલીસ મથકેથી પોતાની નોકરી પૂરી કરીને ઘરે જઇ રહી હતી ત્યારે કાળા કલરની કારમાં આવેલ ત્રણ અજાણ્યા શખ્સોએ તેને કારમાં અપહરણ કર્યુ હતું.
બીજી તરફ વડોદરા પોલીસે અપહૃત મહિલા પોલીસ કોન્સ્ટેબલને શોધી કાઢવા અને અપહરણકારોને ઝડપી લેવા પોલીસની જુદી જુદી 10 ટિમો બનાવી તપાસ શરૂ કરી હતી.
આ બધા વચ્ચે અપહરણકારો મધ્યપ્રદેશ પહોંચ્યા હતા તે વખતે નિમચમાં બપોરના સમયે નિમચ પોલીસ મથક નજીક ઉભેલા કેટલાક પોલીસ કર્મચારીઓને જોતા જ મણીબેન ચૌધરીએ જોરથી બચાવો બચાવોની બુમાબુમ કરી મુકતા એલર્ટ થઈ ગયેલી નિમચ પોલીસે કારને આંતરી લીધી હતી અને તેમાંથી મણીબેન ચૌધરીને બહાર કાઢ્યા હતા પણ બીજીતરફ પોલીસ હજુ કઈ પૂછતાછ કરે તે પહેલાં અપહરણકારો કારને ભગાવી મૂકી હતી અને ભાગવામાં સફળ રહ્યા હતા.
ત્યારબાદ મધ્યપ્રદેશ પોલીસ સમક્ષ મણીબેન ચૌધરીએ પોતે પોલીસ કોન્સ્ટેબલ હોવાની ઓળખ આપી પોતાનું અપહરણ કરવામાં આવ્યુ હોવાની વાત કરતા મધ્ય પ્રદેશ પોલીસે વડોદરા પોલીસને જાણ કરતા પોલીસ મધ્યપ્રદેશ જવા રવાના થઈ હતી.
જિલ્લા પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ કોન્સ્ટેબલ મણીબહેન ચૌધરી વિધર્મી યુવાન સાથે રહેતી હોઇ, પરિવારને પસંદ નથી. આથી મણીબહેન ચૌધરીને તેના નજીકના જ લોકો દ્વારા અપહરણ કરાયું હોવાનું અનુમાન છે. જો કે, મણીબહેન ચૌધરીનો કબ્જો લઇ તેની પૂછપરછ કરાયા બાદ જ તેનું અપહણ કોણ કરી ગયું હતું? તે બહાર આવશે.