વડોદરાઆમ સમા-સાવલી રોડ ઉપર આવેલા સત્યમ નગરમાં રહેતા બનવારીલાલ વાલ્મીકી નામનો વ્યક્તિ છેલ્લા 30 વર્ષથી સમા મામલતદાર ઓફિસ પાસે ચાઈનીઝની 2 અને આમલેટની 1 લારી ચલાવે છે.
તેના જણાવ્યા મુજબ આ પૈકીની એક લારી હરીશ નેપાલી અને વિપુલ ભરવાડે પચાવી પાડી હતી.
આ હરીશ પહેલા તેની લારીમાંજ કામ કરતો હતો. આ લારી પચાવી પાડવા મુદ્દે બનવારીલાલે સમા પોલીસ મથકમાં ફરિયાદ કરવા છતાં સમા પોલીસે યોગ્ય કાર્યવાહી નહિ કરતા બનવારીલાલ ચિંતામાં મુકાયો હતો.
દરમિયાન વિપુલ ભરવાડે તેને હાથ -પગ તોડી નાખવાની ધમકી આપતા તેણે પોલીસને જાણ કરતાં સમા પોલીસે કહ્યું કે, તમારો વિસ્તાર ફતેગંજ પોલીસ મથક લાગે છે, ત્યાં ફરિયાદ કરો. તેઓએ ફતેગંજ પોલીસમાં ફરિયાદ કરી હતી.
ત્યાં પણ કાર્યવાહી ન કરાતાં આખરે કંટાળી ગયેલા લારીવાળાએ પોલીસ કમિશનરની કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.
જોકે ફતેગંજ પોલીસે તેને રોકી સમા પોલીસે મથકે પહોંચાડ્યો હતો. જ્યાં વિપુલ ભરવાડ અને હરીશ નેપાલી સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરી હતી.