વડોદરામાં કારેલી બાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં એક ડિવોર્સી મહિલાએ પોતાની બે દીકરીઓને ઝેરી દવા પીવડાવી પોતે પણ દવા પી લેતા બે દીકરીના કરૂણ મોત થયા છે, જ્યારે માતાને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેઓની હાલત ગંભીર છે.
વિગતો મુજબ દક્ષાબેન ચૌહાણ નામની મહિલાએ પોતાની ધો.9માં ભણતી એક દીકરી અને કોલેજમાં ભણતી બીજી દીકરીને ઝેરી દવા પીવડાવ્યા બાદ તેઓના ગળા દબાવી હત્યા કર્યા બાદ મહિલા એ પોતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા નો પ્રયાસ કર્યો હતો.
દક્ષાબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તેની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. દક્ષાબેને આર્થિક સંકડામણને કારણે આ પગલું ભર્યું હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે.
આ ઘટનાની જાણ થતાં સોસાયટીમાં રહેતા લોકો ભેગા થઈ ગયા હતા.
આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઇ છે.
બનાવની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી અને પરિવારના અન્ય સભ્યોનો નિવેદન લઈ તપાસ હાથ ધરી છે.
વિગતો મુજબ બે દીકરીઓ પૈકી મોટી દીકરી હની ટી.વાય. બીકોમમા અભ્યાસ કરતી હતી. જ્યારે નાની દીકરી સુહાની ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. બંને દીકરીના હાથ-પગ બાંધી ઝેરી દવા પીવડાવી હતી. પરંતુ, દીકરીઓ ન મરતાં તેઓના ગળા દબાવી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. તે બાદ માતાએ ફાસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
મળેલી માહિતી પ્રમાણે બે દીકરીને મોતને ઘાટ ઉતારવામાં માતા દક્ષાબેન ચૌહાણ સાથે અન્ય વ્યક્તિ પણ હોવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે, બી. 66 અક્ષતા કો. હાઉસિંગ સોસાયટીમાં ત્રણ મજલી મકાનના બીજા માળે 20 દિવસ પહેલાં દક્ષાબેન તેમની બે દીકરી સાથે ભાડે રહેવા માટે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.