રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહ્યો હતો અને વડોદરા સહિત અન્ય વિસ્તારોમાં શનિવારે દિવસભર તેમજ મોડી રાત સુધી વરસાદ પડ્યો હતો. ગુજરાત ઉપર સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયા બાદ તે લો પ્રેશરમાં પરિવર્તિત થયા બાદ તા.17 થી 21 જુલાઈ સુધીમાં વડોદરા સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
બંગાળની ખાડીથી ગુજરાત સુધી ટર્ફ રેખા પણ સર્જાશે પરિણામે વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
શહેરમાં દિવસ દરમિયાન છુટાછવાયાં વરસાદી ઝાપટાં પડ્યાં બાદ મોડી રાતે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વરસાદને કારણે દિવસ દરમિયાન કારેલીબાગ કીર્તિકુંજ સોસાયટી અને કરચિયા રોડ પર ગાડી પર ઝાડ પડ્યું હતું.
જોકે બંને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઉલ્લેખનિય છે કે, શનિવારે મોડી રાત સુધી કડકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર, 17 જુલાઈથી વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી છે. તેવામાં 16 થી 18 જુલાઈ સુધી શહેરમાં ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે. જ્યારે 19 જુલાઈએ વાતાવરણ સાફ રહી શકે છે. શનિવારે મોડી રાતે 10 વાગે એકધારે ભારે વરસાદ શરૂ થયો હતો.
વડોદરામાં ચાર દરવાજા, અલકાપુરી ગરનાળું, કારેલીબાગ, માંજલપુર, મકરપુરા, સરદાર એસ્ટેટ, પ્રતાપનગર, સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયાં હતાં.
ગુજરાત ઉપર સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયા બાદ તે લો પ્રેશરમાં પરિવર્તિત થયા બાદ 17 થી 21 જુલાઈ સુધીમાં વડોદરા સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત બંગાળની ખાડીથી ગુજરાત સુધી ટર્ફ રેખા પણ સર્જાશે.જેના કારણે વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ વરસશે.