શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી મહિલાએ માથાભારે શખસ પાસે પોતાની ગિરવી મૂકેલી બાઇકના પૈસા ન ભરી શકતાં તેણે 4 વર્ષથી મહિલાને બળજબરીથી પોતાના ઘરમાં જ રાખી લીધી હતી. મહિલાની પુત્રીએ આ મામલે 181 મહિલા સુરક્ષા અભયમને ફોન કરી મદદ માગતાં તેણે સ્થળ પર પહોંચી મહિલાને મુક્ત કરાવી હતી. મહિલાએ પોલીસમાં ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો હતો. પૂર્વ વિસ્તારમાં રહેતી એક કિશોરીએ અભયમ 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવ્યું હતું કે એક વ્યક્તિએ મારી મમ્મીને ગોંધી રાખી છે તેને છોડાવવા વિનંતી કરી હતી. જેથી અભયમની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક પહોંચી ઘરમાં બંધ રખાયેલી મહિલાને મુક્ત કરાવી હતી. 42 વર્ષની આ મહિલા અને તેમનો પતિ છૂટક મજૂરી કરે છે. મહિલાને પૈસાની જરૂર પડતાં તેણે પોતાની બાઈક આ શખસ પાસે ગિરવી રાખી રૂપિયા લીધા હતા. જોકે મહિલા સમયસર પૈસા પરત આપી શકી ન હતી, જેથી આ શખસે વારંવાર પૈસાની ઉઘરાણી કરી હતી. મહિલાની સ્થિતિ સારી ના હોવાથી પૈસા આપી શકતી ન હતી, જેથી આ માથાભારે શખસે મારા રૂપિયા પરત ના આપે ત્યાં સુધી તારે મારી સાથે રહેવું પડશે, એમ જણાવી બળજબરીપૂર્વક મહિલાને તેના ઘરે છેલ્લાં 4 વર્ષથી રાખતો હતો અને બાળકોને પણ મળવા જવા દેતો નહોતો.
Thursday, May 2