Valsad સોશિયલ મીડિયા પર ‘વિકાસ’ પણ ગ્રાઉન્ડ પર ‘વિનાશ’? વલસાડ જિલ્લામાં પ્રિ-મોન્સુનની કાગળ પરની કામગીરી સામે ઉઠતા વેધક સવાલો

3 Min Read
Valsad: ચોમાસું માથે છે અને દક્ષિણ ગુજરાતમાં ગમે ત્યારે મેઘરાજા ધમાકેદાર બેટિંગ શરૂ કરી શકે છે, ત્યારે વલસાડ જિલ્લાના વહીવટી તંત્ર અને શાસક પક્ષ ભાજપની દાનત અને પ્રિ-મોન્સુન (ચોમાસા પહેલાની) કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર કરોડોના ખર્ચે થયેલા વિકાસના ગુણગાન ગાતા ભાજપના નેતાઓ ગ્રાઉન્ડ રિયાલિટી (વાસ્તવિકતા) જોવામાં કેમ થાપ ખાઈ રહ્યા છે તે જનતા માટે મોટો સવાલ બન્યો છે.
કાગળ પર પ્રિ-મોન્સુન, ગ્રાઉન્ડ પર શૂન્યતા!
જિલ્લાના તમામ તાલુકાઓ, જિલ્લા પંચાયત, વાપી મહાનગરપાલિકા અને જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં પ્રિ-મોન્સુન કામગીરીના નામે રીતસરની વેઠ ઉતારવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. ગટર સફાઈ, જોખમી વૃક્ષોનું ટ્રીમિંગ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાનું કાયમી નિવારણ કે રોડ-રસ્તાનું સમારકામ – આ તમામ મોરચે તંત્ર માત્ર ‘ફોટો સેશન’ પૂરતું મર્યાદિત રહ્યું છે. રીતસરનું કોઈ નક્કર આયોજન જમીન પર દેખાતું નથી.
ભાજપના નેતાઓ અને ચુંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે માત્ર બંધ બારણે બેઠકો?
સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, શું ભાજપના સંગઠનના નેતાઓએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને પાલિકાઓના ભાજપના જ ચુંટાયેલા પ્રતિનિધિઓ સાથે કોઈ ગંભીર સમીક્ષા બેઠક કરી છે ખરી? જો આવી બેઠકો માત્ર એસી હોલમાં ચા-નાસ્તો કરવા અને વાહવાહી લૂંટવા પૂરતી જ થતી હોય, તો તેવી બેઠકોનો જનતા માટે કોઈ અર્થ નથી. વલસાડ જિલ્લામાં ચોમાસાની એન્ટ્રી સાથે જ વહીવટી તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલતી નજરે પડશે, પરંતુ તેનાથીય વધુ આઘાતજનક બાબત એ છે કે શાસક પક્ષના નેતાઓ અને ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ હજુ પણ ગ્રાઉન્ડ રિયાલિટીથી દૂર છે. જિલ્લા, તાલુકા પંચાયત અને મહા નગરપાલિકા તેમજ નગરપાલિકાઓના પ્રતિનિધિઓ સાથે સંગઠનના નેતાઓની બેઠકો માત્ર એસી હોલ પૂરતી, કાજુ-બદામ અને ચા-નાસ્તો કરવા તેમજ એકબીજાની વાહવાહી લૂંટવા પૂરતી જ સીમિત રહી ગઈ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ‘ઓલ ઈઝ વેલ’ના ફોટા પોસ્ટ કરીને જનતાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરી નેતાઓએ હવે એસી કેબિનોમાંથી બહાર નીકળવું પડશે, કારણ કે જો પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહેશે તો આગામી દિવસોમાં જિલ્લાની ભોળી પ્રજાને ભારે હાલાકી અને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે એ નક્કી છે.
જનતાનો સીધો સવાલ:
જો નેતાઓએ ખરેખર સમીક્ષા કરી છે, તો વલસાડ જિલ્લાની જનતાને જાહેરમાં ગેરંટી (બાંયધરી) આપે કે આ વખતે પ્રિ-મોન્સુન કામગીરી ૧૦૦% પરફેક્ટ થઈ છે અને જિલ્લામાં ક્યાંય પણ પાણી ભરાશે નહીં કે જનતાને હાલાકી ભોગવવી નહીં પડે.
સોશિયલ મીડિયા છોડો, ગ્રાઉન્ડ પર આવો!
વલસાડ જિલ્લાની શાણી પ્રજા હવે ડિજિટલ પ્રમોશન કે ગ્રાફિક્સવાળી જાહેરાતોથી ભોળવાય તેવી નથી. જનતાને સોશિયલ મીડિયામાં ગ્લોસી ફોટાઓ વાળો વિકાસ નથી જોઈતો, તેમને ગ્રાઉન્ડ પર કામ દેખાવું જરૂરી છે. દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ પ્રિ-મોન્સુન પાછળ પાણીની જેમ વહાવી દેવાય છે, છતાં પહેલા જ વરસાદમાં વલસાડ અને વાપીના રસ્તાઓ સ્વિમિંગ પૂલ બની જાય છે.
જો શાસકો અને તંત્ર હજુ પણ નહીં જાગે, તો આ ચોમાસામાં વલસાડની જનતાનો આક્રોશ સોશિયલ મીડિયાથી નીકળીને રસ્તા પર આવે તો નવાઈ નહીં. નેતાઓએ હવે માત્ર આદેશો આપવાનું બંધ કરી, જાતે કાદવ-કીચડમાં ઉતરીને કામ તપાસવું પડશે, નહીં તો જનતા આગામી દિવસોમાં હિસાબ માંગવા તૈયાર જ બેઠી છે.
Share This Article