Video: માત્ર 4 લાખમાં બનાવી દીધી Lamborghini જેવી સુપરકાર, ‘દેશી જુગાડ’ જોઈને લોકો સ્તબ્ધ; જુઓ વીડિયો
ભારતમાં ટેલેન્ટ અને જુગાડની કોઈ કમી નથી. અહીં તમને એવા ‘દેશી આઈન્સ્ટાઈન’ જોવા મળશે જેમના કારનામા જોઈને ભલભલા એન્જિનિયરો પણ માથું ખંજવાળતા થઈ જાય. હાલમાં સોશિયલ મીડિયા પર એક આવો જ કિસ્સો ચર્ચામાં છે, જેમાં એક વ્યક્તિએ પોતાની જૂની Maruti 800 ને આબેહૂબ Lamborghini જેવો લુક આપી દીધો છે.
ઝારખંડના ચાંડિલ વિસ્તારમાં રહેતા મોહમ્મદ આરિફ નામના મિકેનિકે પોતાની કારીગરીથી સૌને ચોંકાવી દીધા છે. આરિફે એક સામાન્ય ભંગાર જેવી Maruti 800 પર મહેનત કરીને તેને શાનદાર સ્પોર્ટ્સ કારમાં ફેરવી નાખી છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ આખા પ્રોજેક્ટ પાછળ માત્ર 4 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે, જ્યારે અસલી લેમ્બોર્ગિનીની કિંમત કરોડોમાં હોય છે.
કોઈ તૈયાર કિટ નહીં, લોખંડના પતરાં કાપીને બનાવી બોડી
મોહમ્મદ આરિફની આ સિદ્ધિ એટલા માટે ખાસ છે કારણ કે તેમણે બજારમાં મળતી કોઈ તૈયાર મોડિફિકેશન કિટનો ઉપયોગ નથી કર્યો. તેમણે પોતાની કુશળતાથી લોખંડની ચાદરો (sheets) જાતે કાપી, તેનું વેલ્ડિંગ કર્યું અને ધીરે-ધીરે કારને એવો આકાર આપ્યો જે લેમ્બોર્ગિનીની ડિઝાઇન સાથે મેળ ખાય છે. આ કામમાં તેમણે અત્યંત ધીરજ અને સાવધાની રાખી છે.
🚨 Mohammad Arif, a mechanic from Jharkhand, transformed an old Maruti 800 into a stunning replica of the Lamborghini car by spending just Rs 4 lakh. 🙏 pic.twitter.com/CbvyXcy4vg
— Indian Tech & Infra (@IndianTechGuide) March 4, 2026
કેવી રીતે બદલાયો Maruti 800નો લુક?
Maruti 800 મૂળભૂત રીતે ઊંચી અને બોક્સ જેવી ડિઝાઇન ધરાવે છે, પરંતુ આરિફે તેની ઊંચાઈ ઘટાડીને તેને સ્પોર્ટ્સ કાર જેવી નીચી અને પહોળી બનાવી દીધી છે. કારના વ્હીલ આર્ચ (ટાયર પાસેનો ભાગ) ને બહારની તરફ ખેંચીને પહોળા કરવામાં આવ્યા છે, જેથી ગાડીનો દેખાવ આક્રમક લાગે.
ગાડીના દેખાવને વધુ પ્રીમિયમ બનાવવા માટે નીચે મુજબના ફેરફાર કરવામાં આવ્યા છે:
- નિયોન ગ્રીન કલર: આખી કારને આકર્ષક નિયોન ગ્રીન રંગથી પેઇન્ટ કરવામાં આવી છે.
- રિયર વિંગ: પાછળના ભાગમાં મોટું સ્પોર્ટ્સ વિંગ લગાવાયું છે જે રેસિંગ કાર જેવો લુક આપે છે.
- LED હેડલાઇટ્સ: રાત્રિના સમયે કાર લક્ઝરી લાગે તે માટે કસ્ટમ LED લાઇટ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી છે.
ઇન્ટિરિયરમાં પણ મોટા ફેરફારો
આરિફે માત્ર બહારથી જ નહીં, પણ કારની અંદર પણ ધરખમ ફેરફાર કર્યા છે. મારુતિ 800 જે ફેમિલી કાર હતી તેને હવે 2-સીટર બનાવી દેવામાં આવી છે. આ ઉપરાંત, આ મોડિફાઇડ કારમાં સનરૂફ પણ ઉમેરવામાં આવ્યું છે, જે ઓરિજિનલ મારુતિમાં ક્યારેય આવતું નહોતું.
જોકે, એન્જિનની વાત કરીએ તો તેમાં હજુ પણ મારુતિનું જૂનું 796cc એન્જિન જ કાર્યરત છે, જે અંદાજે 37 થી 40 હોર્સપાવર જનરેટ કરે છે. એટલે કે, આ કાર દેખાવમાં ભલે સુપરકાર જેવી હોય, પરંતુ તેની સ્પીડ સામાન્ય મારુતિ જેવી જ છે. તેમ છતાં, આરિફની આ મહેનત અને કલાના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે.