જાકો રાખે સાઈયાં, માર સકે ન કોય: મક્કામાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર શખ્સ માટે સુરક્ષા ગાર્ડ બન્યો દેવદૂત

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં ‘ચમત્કાર’: શખ્સે ઉપરથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો, નીચે ઉભેલા સુરક્ષાકર્મીએ ‘ફરિશ્તો’ બની જીવ બચાવ્યો

વિશ્વભરના મુસ્લિમો માટે સૌથી પવિત્ર ગણાતી સાઉદી અરેબિયાના મક્કાની ગ્રાન્ડ મસ્જિદ (મસ્જિદ અલ-હરમ) માં ગુરુવાર, ૨૫ ડિસેમ્બરના રોજ એક રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના બની હતી. મસ્જિદના ઉપરના માળેથી એક વ્યક્તિએ નીચે કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં તૈનાત એક સુરક્ષા ગાર્ડની સતર્કતા અને બહાદુરીને કારણે તેનો જીવ બચી ગયો હતો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, ગુરુવારે જ્યારે હજારો શ્રદ્ધાળુઓ મસ્જિદમાં હાજર હતા, ત્યારે અચાનક એક વ્યક્તિએ ઉપરના માળેથી નીચે છલાંગ લગાવી દીધી હતી. તે વ્યક્તિ નીચે પથ્થર પર પટકાય તે પહેલા જ નીચે ઉભેલા સુરક્ષા અધિકારીએ પોતાની જાનની પરવા કર્યા વગર તેને ઝીલી લેવા માટે દોટ લગાવી હતી.

- Advertisement -

makka1.jpg

વીડિયોમાં જોઈ શકાય છે કે કુર્તા-પાયજામા પહેરેલો શખ્સ જેવો નીચે પડે છે, સુરક્ષાકર્મી તેને હવામાં જ પકડવાનો પ્રયાસ કરે છે. આ ટક્કર એટલી જોરદાર હતી કે સુરક્ષાકર્મી અને તે શખ્સ બંને જમીન પર પટકાયા હતા. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને તુરંત મદદ માટે દોડી આવ્યા હતા.

- Advertisement -

બંને હોસ્પિટલમાં દાખલ

સાઉદી જનરલ ડિરેક્ટોરેટ ઓફ પબ્લિક સિક્યોરિટીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ટક્કરમાં સુરક્ષાકર્મી અને આત્મહત્યાનો પ્રયાસ કરનાર શખ્સ બંનેને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલમાં બંનેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સુરક્ષા દળોએ આ મામલે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.

સુરક્ષાકર્મીની ચોતરફ પ્રશંસા

સોશિયલ મીડિયા પર લોકો આ સુરક્ષાકર્મીને ‘ફરિશ્તો’ કહી રહ્યા છે. પોતાની ફરજ નિભાવતા સમયે બીજાનો જીવ બચાવવા માટે તેણે જે હિંમત બતાવી તેની સાઉદી સત્તાવાળાઓએ પણ પ્રશંસા કરી છે. મક્કા ક્ષેત્રના અધિકારીઓએ જણાવ્યું કે ગ્રાન્ડ મસ્જિદમાં ૨૪ કલાક કડક સુરક્ષા અને દેખરેખ હોય છે, જેના કારણે આવી કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક પગલાં લઈ શકાયા હતા.

- Advertisement -

ભૂતકાળમાં બનેલી આવી ઘટનાઓ

મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં આ પ્રકારની ઘટના પહેલીવાર નથી બની. અગાઉ પણ આવી ઘટનાઓ નોંધાઈ છે:

  • 2017: એક શખ્સે કાબા પાસે પોતાની જાતને આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને સુરક્ષા દળોએ અટકાવ્યો હતો.
  • 2018: ગ્રાન્ડ મસ્જિદમાં આત્મહત્યાના ત્રણ અલગ-અલગ કિસ્સાઓ નોંધાયા હતા.
  • 2024: વર્ષની શરૂઆતમાં પણ એક વ્યક્તિ ઉપરના માળેથી નીચે પડી હોવાની ઘટના બની હતી.

પવિત્ર સ્થળ પર આ પ્રકારની ઘટનાઓએ સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય બનાવી દીધો છે. જોકે, આ ઘટનામાં સુરક્ષાકર્મીની બહાદુરીએ સાબિત કરી દીધું છે કે ગ્રાન્ડ મસ્જિદની સુરક્ષા વ્યવસ્થા કેટલી સજ્જ છે. આ વ્યક્તિએ આવું આત્યંતિક પગલું કેમ ભર્યું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.