PM મોદીનો બાંગ્લાદેશના નવા વડાપ્રધાનને પત્ર: મિત્રતા અને સહયોગનો નવો અધ્યાય, જાણો પત્રમાં લખેલી ખાસ વાતો
બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તરીકે શપથ લેનારા તારિક રહેમાનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિશેષ શુભેચ્છા પત્ર પાઠવ્યો છે. આ પત્ર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ રૂબરૂ મળીને તારિક રહેમાનને સોંપ્યો હતો. ૨૦ વર્ષ બાદ સત્તામાં પરત ફરેલી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) અને ૩૬ વર્ષ બાદ દેશને મળેલા પહેલા પુરુષ વડાપ્રધાન સાથે ભારતે મજબૂત સંબંધો સ્થાપિત કરવાની દિશામાં આ પહેલું અને સચોટ ડગલું ભર્યું છે.
પત્રની મુખ્ય વાતો: વિશ્વાસ અને વિકાસનો સંદેશ
પીએમ મોદીએ આ પત્રમાં માત્ર ઔપચારિક અભિનંદન જ નથી આપ્યા, પરંતુ બંને દેશો વચ્ચેના સંબંધોને ભાવનાત્મક રીતે જોડવાનો પ્રયાસ કર્યો છે. પત્રની કેટલીક મહત્વની વિગતો આ મુજબ છે:
૧. નેતૃત્વમાં વિશ્વાસ: પીએમ મોદીએ લખ્યું કે, “બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણીમાં આપની જીત એ જનતાના આપના પરના ભરોસાનું પ્રમાણ છે. આ જીત શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિની દિશામાં દેશને આગળ વધારવા માટેનો જનતાનો જનાદેશ છે.”
૨. સહિયારો ઇતિહાસ અને મિત્રતા: ભારત અને બાંગ્લાદેશને બે ‘નજીકના પડોશી’ ગણાવતા મોદીએ લખ્યું કે, આપણી વચ્ચે સહિયારો ઇતિહાસ અને સાંસ્કૃતિક સંબંધો છે. આપણી મિત્રતા લોકોની શાંતિ અને સમૃદ્ધિની આકાંક્ષાઓ પર ટકેલી છે. આપણી વિકાસલક્ષી પ્રાથમિકતાઓ જ ભવિષ્યના સહયોગ માટે માર્ગદર્શક સિદ્ધાંત બનશે.
૩. સહયોગના વિવિધ ક્ષેત્રો: વડાપ્રધાને કનેક્ટિવિટી, વ્યાપાર, ટેકનોલોજી, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, ઉર્જા અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે ઉમેર્યું કે, “બે ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓ તરીકે ભારત અને બાંગ્લાદેશ એકબીજાના વિકાસ માટે ઉત્પ્રેરક (Catalyst) બની શકે છે અને પરસ્પર સુરક્ષા માટે કામ કરી શકે છે.”
તારિક રહેમાન અને પરિવારને ભારત આવવાનું આમંત્રણ
પત્રના અંતે પીએમ મોદીએ એક અંગત અને મૈત્રીપૂર્ણ આમંત્રણ આપતા લખ્યું કે, “હું આપને, ડૉ. ઝુબૈદા રહેમાન અને આપની પુત્રી જૈમાને અનુકૂળ સમયે ભારતની મુલાકાતે આવવા માટે આમંત્રિત કરું છું. ભારતમાં આપનું હાર્દિક સ્વાગત છે.”
ઓમ બિરલાએ સંભાળ્યો મોરચો
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી ‘ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ એક્સપો-૨૦૨૬’ માં વ્યસ્ત હોવાને કારણે શપથ ગ્રહણ સમારોહમાં જઈ શક્યા નહોતા, પરંતુ તેમણે ભારતના પ્રતિનિધિ તરીકે ઓમ બિરલાને મોકલ્યા હતા. ઓમ બિરલાએ તારિક રહેમાન સાથે મુલાકાત કરી પીએમ મોદીનો આત્મીય સંદેશ સંભળાવ્યો હતો, જેણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં લાગેલી શંકાઓની બરફ ઓગાળવાનું કામ કર્યું છે.

