એઆઈ (AI) અને ડીપફેકનો ખતરનાક ખેલ: બોસના નકલી અવાજે ભારતીય બેંકોને લગાવ્યો ₹૪૮,૦૦૦ કરોડનો ચૂનો!
ટેકનોલોજી જેટલી ઝડપથી આગળ વધી રહી છે, ગુનેગારો પણ તેટલી જ સ્માર્ટલી પોતાની પદ્ધતિઓ બદલી રહ્યા છે. અત્યાર સુધી આપણે ઓનલાઈન છેતરપિંડી કે સાયબર ક્રાઈમના કિસ્સાઓ સામાન્ય જનતા સાથે થતા જોયા છે, જ્યાં કોઈના નામે પૈસા માંગવામાં આવે કે બેંક એકાઉન્ટ ખાલી કરી દેવાય. પરંતુ હવે સાયબર અપરાધીઓએ એક ડગલું આગળ વધીને સીધા જ કોર્પોરેટ જગતમાં એન્ટ્રી મારી દીધી છે!
હા, હવે આ ભેજાબાજો મોટી-મોટી લિસ્ટેડ કંપનીઓની તિજોરી પર નજર બગાડીને બેઠા છે. તાજેતરમાં જ સેબી (SEBI – સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) એ એક ખૂબ જ ચોંકાવનારી ચેતવણી જારી કરી છે, જે ‘બોસ સ્કેમ’ (Boss Scam) તરીકે ઓળખાઈ રહી છે. આ નવો ટ્રેન્ડ એટલો ખતરનાક છે કે તે કંપનીઓના આખા ફાયનાન્સ ડિપાર્ટમેન્ટને હચમચાવી રહ્યો છે.

‘બોસ સ્કેમ’ (Boss Scam) શું છે અને આ ખેલ કેવી રીતે ખેલાય છે?
સરળ ભાષામાં સમજીએ તો, આ સ્કેમ ‘બિઝનેસ ઈમેલ કોમ્પ્રોમાઈઝ’ (BEC) નું એક અત્યંત આધુનિક અને ઘાતક સ્વરૂપ છે. આમાં સાયબર ગુનેગારો કંપનીના સામાન્ય કર્મચારીઓને નિશાન નથી બનાવતા, પણ સીધા ટોચના હોદ્દા પર બેઠેલા લોકો જેમ કે સીઈઓ (CEO), એમડી (MD), અથવા કોઈ સિનિયર એક્ઝિક્યુટિવનું નામ અને ઓળખ ચોરી લે છે.
ત્યારબાદ તેઓ કંપનીના એકાઉન્ટ્સ, ઓડિટ અથવા ફાયનાન્સ વિભાગના એવા કર્મચારીઓનો સંપર્ક કરે છે જેમના હાથમાં બેંક ટ્રાન્સફરની સત્તા હોય. આ સંપર્ક ઈમેલ, વોટ્સએપ (WhatsApp), માઈક્રોસોફ્ટ ટીમ્સ (Microsoft Teams), કે લિંક્ડઈન (LinkedIn) જેવા પ્રોફેશનલ પ્લેટફોર્મ્સ દ્વારા કરવામાં આવે છે.
કર્મચારીઓને મોકલવામાં આવતા મેસેજ સામાન્ય રીતે કંઈક આવા હોય છે:
-
“આ એક ખૂબ જ ગુપ્ત ડીલ છે, તાત્કાલિક આપેલા એકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર કરો.”
-
“હું અત્યારે એક ઈમરજન્સી મીટિંગમાં છું, ફોન ન કરતા. આ પૈસા અત્યારે જ મોકલવા જરૂરી છે, કોઈ અન્ય ચેનલનો ઉપયોગ ન કરતા.”
-
“આ ઓર્ડર સીધો સીઈઓ તરફથી છે, આમાં સહેજ પણ મોડું ન થવું જોઈએ.”
સામાન્ય રીતે જુનિયર કે મિડલ લેવલના કર્મચારીઓ પોતાના સર્વોચ્ચ બોસનો મેસેજ જોઈને ગભરાઈ જાય છે અથવા દબાણમાં આવી જાય છે અને પ્રોટોકોલ તોડીને પણ પૈસા ટ્રાન્સફર કરી દે છે.
એઆઈ (AI) અને ડીપફેકનો માયાવી જાળ
આ ગુનેગારો માત્ર મેસેજ કરીને જ નથી અટકતા. હવે તેઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. ઘણા કિસ્સાઓમાં, જો કર્મચારીને શંકા જાય અને તે કન્ફર્મ કરવા માંગે, તો આ ઠગો એઆઈ દ્વારા બોસનો વોઈસ ક્લોન (બેઠો અવાજ) તૈયાર કરીને ઓડિયો કોલ કરે છે. એટલું જ નહીં, ડીપફેક (Deepfake) ટેકનોલોજીની મદદથી બોસ જેવો જ દેખાતો નકલી વિડીયો કોલ પણ કરી દે છે! સામે બેઠેલા કર્મચારીને લાગે છે કે તેનો સાચો બોસ જ તેની સાથે વાત કરી રહ્યો છે, અને તે છેતરાઈ જાય છે. એકવાર પૈસા ખાતામાંથી ગયા પછી તેને પાછા મેળવવા લોઢાના ચણા ચાવવા સમાન બની જાય છે.
આંતરરાષ્ટ્રીય કનેક્શન: કમ્બોડિયા અને મ્યાનમારથી ચાલે છે આ રેકેટ
ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઈમ વિંગ, એટલે કે ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) તરફથી મળેલા ઈનપુટ્સ મુજબ, આ સ્કેમ પાછળ ભારત બહાર બેઠેલા સંગઠિત માફિયાઓનો હાથ છે. સરકારને આશંકા છે કે દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો જેવા કે કમ્બોડિયા, મ્યાનમાર અને ફિલિપાઈન્સ જેવા દેશોમાંથી આ આખું નેટવર્ક ઓપરેટ થઈ રહ્યું છે. સૌથી દુઃખદ વાત એ છે કે, આ વિદેશી ગેંગ ભારતના જ ભણેલા-ગણેલા યુવાનોને મોટી કમાણીની લાલચ આપીને આ ઓનલાઈન ડિજિટલ ગુલામીના દળદળમાં ધકેલી રહી છે અને તેમની પાસે આ ગુનાઓ કરાવી રહી છે.
આંકડા ધ્રુજાવી દે તેવા છે: ૪૮,૦૦૦ કરોડથી વધુનું નુકસાન!
ભારતમાં ઓનલાઈન બેંકિંગ અને યુપીઆઈ (UPI) ના કારણે સામાન્ય જીવન તો સરળ બન્યું છે, પણ સાથે જ સુરક્ષામાં પણ મોટા ગાબડાં પડ્યાં છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના તાજેતરના વાર્ષિક અહેવાલ (૨૦૨૫-૨૬) ના આંકડા આંખો ખોલી દે તેવા છે.
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં ભારતીય બેંકો અને નાણાકીય સંસ્થાઓમાં કુલ ૧૦,૧૧૪ ફ્રોડના કેસ નોંધાયા છે, જેમાં કંપનીઓ અને બેંકોને ૪૮,૦૨૧ કરોડ રૂપિયાનું આંધણ થયું છે! આ આંકડો ગયા વર્ષના ૩૨,૮૦૩ કરોડ રૂપિયાની સરખામણીએ સીધો ૪૬ ટકા વધુ છે. આશ્ચર્યની વાત એ છે કે ફ્રોડના કેસોની સંખ્યા કદાચ ઘટી હશે, પણ જે કેસ થાય છે તેમાં લૂંટાતી રકમનો આંકડો બહુ મોટો છે. જો આ જ ટ્રેન્ડ ચાલુ રહ્યો, તો નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં વાર્ષિક સાયબર ફ્રોડનું નુકસાન ટૂંક સમયમાં ૧.૨ લાખ કરોડને પાર થઈ જશે, જે દેશના કુલ જીડીપી (GDP) ના લગભગ ૦.૭ ટકા જેટલું થવા જાય છે.

બચાવના રસ્તા: સેબીની કંપનીઓને કડક સલાહ
આ ગંભીર પરિસ્થિતિને જોતા સેબીએ તમામ લિસ્ટેડ કંપનીઓ અને કોર્પોરેટ્સને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓ પોતાના ઈન્ટરનલ કંટ્રોલ સિસ્ટમને મજબૂત કરે. માત્ર કોઈ એક મેસેજ કે ઈમેલના આધારે લાખો-કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન ન કરવું.
સેબીએ સૂચવેલા બચાવના મુખ્ય ઉપાયો:
-
ઓફિશિયલ વેરિફિકેશન: ગમે તેટલી ઈમરજન્સી હોય, પણ ફંડ ટ્રાન્સફર કરતા પહેલા કંપનીની સત્તાવાર આંતરિક સિસ્ટમ અથવા બોસને રૂબરૂ કે જાણીતા નંબર પર સીધો ફોન કરીને ખાતરી કરો.
-
કર્મચારીઓની ટ્રેનિંગ: ખાસ કરીને ફાયનાન્સ, એકાઉન્ટ્સ અને જુનિયર સ્ટાફને આવા કાયબર ફ્રોડ વિશે સતત જાગૃત કરવામાં આવે અને તેમને ટ્રેનિંગ આપવામાં આવે.
-
મલ્ટી-ફેક્ટર વેરિફિકેશન (MFA): કોઈપણ મોટા ટ્રાન્ઝેક્શન માટે માત્ર એક વ્યક્તિની મંજૂરી પૂરતી ન હોવી જોઈએ, તેમાં મલ્ટી-લેવલ અપ્રૂવલ સિસ્ટમ હોવી ફરજિયાત બનાવવી જોઈએ.