સામાન્ય બોલાચાલીમાં ક્રૂરતાની પરાકાષ્ઠા: પડોશીઓએ આધેડ પર ડીઝલ છાંટી જીવતા ફૂંકી માર્યા
ગાંધીધામમાં આધેડને જીવતો સળગાવી હત્યાના કેસમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે. આ ચકચારી ઘટનાના પગલે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હીરાભાઈ મહેશ્વરીની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧) સહિતની કલમો હેઠળ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ મામલે પી.આઈ. એસ.વી. ગોજીયા દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન તપાસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ હત્યાકાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓ બે મહીલા અને ચિમનારામ ગોમારામ મારવાડીની ધરપકડ કરી લીધી છે. નોંધનીય છે કે, ગાંધીધામના રોટરીનગર વિસ્તારમાં આવેલા સતરાહજાર ઝુપડા પાસે રહેતા પ૦ વર્ષિય કરસન નામના આધેડની ઘરની બહાર બેસવા જેવી સામાન્ય બાબતે પડોશીઓ સાથે ઉગ્ર ઝઘડો થયો હતો.
આ વિવાદ એટલો વકર્યો હતો કે આરોપીઓએ કરસનને પકડવા જતા કરસન પોતાના ઘરના બાથરૂમમાં ભરાઈ ગયો હોવા છતાં નિર્દય આરોપીઓએ તેના પર ડીઝલ છાંટીને આગ ચાંપી દીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા આધેડને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રામબાગ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતકે તેના મરણોન્મુખ નિવેદનમાં આ સમગ્ર હકીકત જણાવી હતી.
અત્યારના ગુનાની ફરિયાદ નોંધાયેલા ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આરોપીઓની ધરપકડ બાદ હવે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
