પાકિસ્તાને સિંધુ જળ કરારમાંથી બહાર નીકળી જવું જોઈએ! પાકિસ્તાની એક્સપર્ટે કેમ કહ્યું- ‘આ સંધિ માત્ર ભારતના ફાયદા માટે છે’
ભારત અને પાકિસ્તાન વચ્ચે ભૌગોલિક અને રાજકીય વિવાદો તો જગજાહેર છે, પરંતુ આ બંને દેશો વચ્ચે વહેતી નદીઓના પાણીની વહેંચણી પણ હંમેશાથી એક સળગતો મુદ્દો રહ્યો છે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ‘સિંધુ જળ સંધિ’ (IWT) ને લઈને બંને પડોશી દેશો વચ્ચે ભારે તણાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને એપ્રિલ 2025 માં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતે આ કરારની સમીક્ષા કરતા તેના પર કડક વલણ અપનાવ્યું છે, જેના કારણે પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. પાકિસ્તાન સતત એવો આક્ષેપ કરી રહ્યું છે કે ભારત નદીઓના પાણીના કુદરતી પ્રવાહને રોકી રહ્યું છે, જેના કારણે તેના પંજાબ પ્રાંતમાં ખેતીવાડી અને પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે.
આ આખા વિવાદ વચ્ચે હવે પાકિસ્તાનની અંદરથી જ એક અત્યંત ચોંકાવનારો અવાજ ઉઠ્યો છે. પાકિસ્તાનના જ એક અગ્રણી જળ વિજ્ઞાન અને જળ સંસાધન નિષ્ણાતે આ ઐતિહાસિક સિંધુ જળ કરાર પર જ ગંભીર સવાલો ઉભા કર્યા છે અને ઇસ્લામાબાદ (પાકિસ્તાન સરકાર) ને આ સંધિમાંથી કાયમ માટે બહાર નીકળી જવાની ખુલ્લી સલાહ આપી દીધી છે.
હસન અબ્બાસનો દાવો: સિંધુ જળ સંધિ સંપૂર્ણપણે ભારતના પક્ષમાં
પાકિસ્તાનના જાણીતા જળ સંસાધન નિષ્ણાત હસન અબ્બાસે પાકિસ્તાનના અગ્રણી માં લખેલા એક વિસ્તૃત લેખમાં દાવો કર્યો છે કે, ૧૯૬૦ માં થયેલો સિંધુ જળ કરાર વાસ્તવમાં સંપૂર્ણપણે ભારતના હિતોને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો હતો. તેમણે પાકિસ્તાન સરકાર અને ત્યાંના રાજકારણીઓને એક મૂળભૂત સવાલ પૂછ્યો છે કે, “આટલા દાયકાઓ પછી પણ પાકિસ્તાનને આ જળ સંધિથી આખરે શું મળ્યું? અને જો આજે પાકિસ્તાન આ સંધિ તોડી નાખે, તો તેની પાસે હવે ખોવા માટે શું બચ્યું છે?”
અબ્બાસે ઇતિહાસના પાના ઉથલાવતા લખ્યું છે કે, વર્ષ ૧૯૪૮ માં ભારતે પાકિસ્તાન તરફ જતી સિંચાઈની નહેરોનું પાણી બંધ કરી દીધું હતું, જેના કારણે પાકિસ્તાનમાં મોટું જળ સંકટ ઊભું થયું હતું. આ વિવાદનો અંત લાવવા માટે ૧૯૬૦ માં વર્લ્ડ બેંકની મધ્યસ્થતાથી ‘સિંધુ જળ સંધિ’ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પરંતુ તેમણે આરોપ લગાવ્યો કે, ભારતે પોતાનું વલણ ક્યારેય બદલ્યું નથી. આ કરાર હેઠળ પૂર્વની ત્રણ નદીઓ – રાવી, બિયાસ અને સતલુજ પર ભારતને સંપૂર્ણ અધિકાર આપી દેવાયો અને પાકિસ્તાનને આ નદીઓ પરની પોતાની નિર્ભરતા ખતમ કરીને પશ્ચિમની નદીઓ – સિંધુ, જેલમ અને ચિનાબના પાણી પર જીવવાની ફરજ પાડવામાં આવી હતી.
પાકિસ્તાન માટે ‘ઘાટાનો સોદો’ સાબિત થઈ આ સંધિ
પાકિસ્તાની એક્સપર્ટના મતે આ સંધિ પાકિસ્તાન માટે શરૂઆતથી જ નુકસાનકારક રહી છે. કરારના મૂળ દસ્તાવેજોમાં જ ભારતના ફાયદાઓનો સ્પષ્ટ ઉલ્લેખ છે. પૂર્વની નદીઓ પર ભારતનો એવો વિશેષાધિકાર છે જેમાં પાકિસ્તાનનો હિસ્સો શૂન્ય ટકા છે.
બીજી તરફ, પશ્ચિમની જે ત્રણ નદીઓ (સિંધુ, જેલમ, ચિનાબ) પાકિસ્તાનના હિસ્સામાં આવી, તેના પર પણ ભારતને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ (વીજળી ઉત્પન્ન કરવાના પ્લાન્ટ) બનાવવાનો અમર્યાદિત અધિકાર આપવામાં આવ્યો છે. અબ્બાસે જણાવ્યું કે, ભારત આ નદીઓમાંથી પાણીની પ્રત્યેક બુંદને પોતાની પાસે રાખવાનો પ્રયાસ કરે છે જેને તે વાળી શકે તેમ છે. પાકિસ્તાનને માત્ર એ જ પાણી મળે છે, જેને ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે ભારત પોતાના તરફ વાળવામાં સક્ષમ નથી.
ભારતની ભૌગોલિક મજબૂરીને પાકિસ્તાનનો ફાયદો ગણાવી દીધો
હસન અબ્બાસે પોતાના લેખમાં એક રસપ્રદ ભૌગોલિક પાસા પર પ્રકાશ પાડ્યો છે. તેમણે કહ્યું કે પશ્ચિમની નદીઓ પાકિસ્તાનને મળવી તે ભારતની કોઈ ઉદારતા નહોતી, પરંતુ ભારતની ભૌગોલિક મજબૂરી હતી. આ નદીઓ કાશ્મીર અને હિમાલયના ઊંચા-ઊંચા પહાડો અને ખીણોમાંથી પસાર થઈને પાકિસ્તાનના મેદાની વિસ્તારોમાં પહોંચે છે. આવા દુર્ગમ પહાડી વિસ્તારોમાં મોટા પાયે પાણીના પ્રવાહને વાળવો અથવા અબજો લીટર પાણીનો સંગ્રહ કરવા માટે મોટા ડેમ બનાવવા વ્યવહારિક રીતે ખૂબ જ મુશ્કેલ અને ખર્ચાળ છે.
સંધિ અનુસાર ભારતને આ પશ્ચિમની નદીઓ પર ૩ મિલિયન એકર ફીટથી વધુ પાણી સંગ્રહ કરવાની અથવા વાળવાની મંજૂરી મળેલી છે, છતાં છેલ્લા ૬૫ વર્ષોમાં ભારતે આવું મોટું માળખું ઊભું કર્યું નથી, કારણ કે પહાડી ક્ષેત્રોમાં આવું કરવું શક્ય જ નથી. આનાથી વિપરીત, પૂર્વની નદીઓ (રાવી, સતલુજ) સમતલ મેદાની વિસ્તારોમાંથી પસાર થાય છે, જ્યાં પાણીનો સંગ્રહ કરવો કે નહેરો દ્વારા તેને વાળવું ખૂબ જ સરળ અને સસ્તું છે. તેથી આ સંધિએ ભારતને એ બધું જ પાણી લેવાની કાનૂની છૂટ આપી દીધી જે સરળતાથી લઈ શકાય તેમ હતું.
બર્લિન નિયમોનો આશરો લેવાની પાકિસ્તાનને સલાહ
પોતાની વાતના સમર્થનમાં પાકિસ્તાની નિષ્ણાતે ઇસ્લામાબાદને આ આખી જળ સંધિ ફાડીને બહાર નીકળી જવાની આખરી સલાહ આપી છે. તેમણે તર્ક આપ્યો કે જો પાકિસ્તાન આ કરારમાંથી બહાર નીકળી જશે તો પણ તેને જે પાણી અત્યારે કુદરતી રીતે મળી રહ્યું છે, તે ભવિષ્યમાં પણ મળતું જ રહેશે, કારણ કે ભારત પહાડોમાંથી વહેતી નદીઓનો પ્રવાહ સંપૂર્ણપણે રોકી શકે તેમ નથી.
આ સાથે જ તેમણે પાકિસ્તાન સરકારને આંતરરાષ્ટ્રીય મંચ પર જવાની સલાહ આપતા કહ્યું કે, પાકિસ્તાને વર્ષ ૨૦૨૪ ના આંતરરાષ્ટ્રીય જળ સંબંધી ‘બર્લિન નિયમો’ (Berlin Rules 2024) નો ઉપયોગ કરવો જોઈએ. આ નિયમો પર્યાવરણ અને માનવાધિકારના આધારે નદીઓના પાણી પર નીચલા સ્તરે વસતા દેશોના હકનું રક્ષણ કરે છે. આ ઉપરાંત, તેમણે ભારત પર નદીઓમાં પ્રદૂષણ ફેલાવવાનો પાયાવિહોણો આક્ષેપ પણ લગાવ્યો અને કહ્યું કે આ પ્રદૂષિત પાણી પાકિસ્તાનમાં આવી રહ્યું હોવાથી ત્યાંના નાગરિકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર તેની માઠી અસર થઈ રહી છે. નિષ્ણાતના આ લેખ બાદ હવે પાકિસ્તાન સરકાર આ આંતરરાષ્ટ્રીય સંધિ અંગે આગામી દિવસોમાં શું વલણ અપનાવે છે તે જોવું રહ્યું.

