મહિલા અનામત: સંસદમાં ચર્ચા વચ્ચે અડધી રાત્રે કેમ લાગુ થયો 2023નો કાયદો? જાણો ટેકનિકલ કારણો
ભારતીય સંસદમાં અત્યારે મહિલા અનામતને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ શુક્રવારે આ બિલ પર મતદાન થવાનું છે, તો બીજી તરફ ગુરુવારે મોડી રાત્રે કેન્દ્રીય કાયદા મંત્રાલયે એક ચોંકાવનારી જાહેરાત કરી. સરકારે એક જાહેરનામું (Notification) બહાર પાડીને જણાવ્યું કે ‘મહિલા અનામત અધિનિયમ 2023’ ગુરુવારથી જ દેશમાં અમલી બની ગયો છે. આ અચાનક લેવાયેલા નિર્ણયથી રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઊભા થયા છે.
અડધી રાત્રે નોટિફિકેશન બહાર પાડવાની જરૂર કેમ પડી?
સામાન્ય રીતે જ્યારે સંસદના વિશેષ સત્રમાં કોઈ નવા સુધારા પર ચર્ચા ચાલતી હોય, ત્યારે જૂના કાયદાને અધવચ્ચેથી લાગુ કરવો એ થોડું વિચિત્ર લાગે છે. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એક ‘ટેકનિકલ અને પ્રક્રિયાગત’ (Technical and Procedural) પગલું છે.
કોઈપણ કાયદામાં સુધારો (Amendment) ત્યારે જ કરી શકાય જ્યારે તે કાયદો અમલમાં હોય. સપ્ટેમ્બર 2023માં સંસદે ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ પસાર તો કરી દીધો હતો, પરંતુ તે ક્યારથી અમલમાં આવશે તેની તારીખ જાહેર કરવામાં આવી નહોતી. હવે જ્યારે સરકાર આ કાયદામાં કેટલાક ફેરફારો કરવા માંગે છે, ત્યારે તેને પહેલા સત્તાવાર રીતે ‘નોટિફાય’ કરવો અનિવાર્ય હતો. ટૂંકમાં, કાયદાને સુધારવા માટે તેને અસ્તિત્વમાં લાવવો જરૂરી હતો.
2023ના કાયદા અને નવા સુધારા વચ્ચેનો તફાવત
2023ના મૂળ કાયદામાં એવી જોગવાઈ હતી કે આગામી વસ્તી ગણતરી થશે અને ત્યારબાદ બેઠકોનું પરિસીમન (સીમાંકન) થશે, તે પછી જ મહિલાઓને અનામત મળશે. આ પ્રક્રિયા ઘણી લાંબી હતી, જેના કારણે 2029 સુધી અનામત મળવાની શક્યતા ઓછી હતી.
જોકે, હવે સરકાર જે નવો સુધારો લાવી રહી છે, તેમાં જોગવાઈ છે કે 2011ની વસ્તી ગણતરીને આધાર માનીને પરિસીમન પંચના રિપોર્ટ મુજબ અનામત લાગુ કરી દેવામાં આવશે. આ સુધારાને કાયદેસરનું સ્વરૂપ આપવા માટે જ 2023ના મૂળ એક્ટને 16 એપ્રિલ 2026ની તારીખથી પ્રભાવી જાહેર કરવામાં આવ્યો છે.
વિપક્ષનો પ્રહાર: “આ બિલકુલ વિચિત્ર છે”
સરકારના આ આકસ્મિક પગલાથી વિપક્ષી દળો, ખાસ કરીને કોંગ્રેસ હેરાન છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આ બાબતે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જ્યારે સંસદમાં સુધારા પર ચર્ચા ચાલી રહી છે અને શુક્રવારે તેના પર વોટિંગ થવાનું છે, ત્યારે અડધી રાત્રે આ રીતે નોટિફિકેશન બહાર પાડવું એ અત્યંત વિચિત્ર અને આશ્ચર્યજનક છે.
વિપક્ષનો આરોપ છે કે સરકાર પ્રક્રિયાઓને ગૂંચવી રહી છે અને આટલા મહત્વના મુદ્દા પર પારદર્શિતા જાળવવામાં આવતી નથી. કોંગ્રેસ આ પગલાને સરકારની નબળી વ્યૂહરચના તરીકે જોઈ રહી છે.
ટેકનિકલ ખામીઓ અને 2026ની સમયસીમા
કાયદા મંત્રાલયની સૂચના મુજબ, બંધારણ (106મો સુધારો) અધિનિયમ, 2023ની કલમ 1ની પેટાકલમ (2) દ્વારા મળેલી સત્તાનો ઉપયોગ કરીને સરકારે 16 એપ્રિલ, 2026ને તે તારીખ તરીકે જાહેર કરી છે જ્યારે કાયદાની જોગવાઈઓ લાગુ થશે.
આનો અર્થ એ થયો કે હવે સરકાર પાસે એક નક્કર કાયદાકીય પાયો છે જેના પર તે નવા સુધારાઓ (Amendments) લાવી શકશે. જે ટેકનિકલ ખામીઓ અગાઉ નડી રહી હતી, તેને દૂર કરવા માટે આ ‘મિડનાઈટ ઓપરેશન’ કરવામાં આવ્યું હોય તેમ જણાય છે.

