યુનુસ બાદ હવે સેના પ્રમુખનો વારો? બાંગ્લાદેશના આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાનની ખુરશી કેમ જોખમમાં?
બાંગ્લાદેશમાં સત્તાના પરિવર્તનની સાથે જ હવે વહીવટી અને સૈન્ય માળખામાં મોટા ફેરફારોની પટકથા લખાઈ રહી છે. મોહમ્મદ યુનુસની વિદાય અને તારિક રહેમાનના વડાપ્રધાન બન્યા બાદ હવે સૌની નજર સેના પ્રમુખ જનરલ વકાર-ઉઝ-ઝમાન પર ટકેલી છે. રાજકીય વર્તુળોમાં એવી પ્રબળ ચર્ચા છે કે વકાર-ઉઝ-ઝમાનની ખુરશી ગમે ત્યારે જઈ શકે છે. આ આશંકા પાછળ મુખ્ય બે કારણો જવાબદાર માનવામાં આવે છે: એક બાંગ્લાદેશની જૂની રાજકીય પરંપરા અને બીજું તારિક કેબિનેટમાં થયેલી ખલીલુર રહેમાનની એન્ટ્રી.
કોણ છે Waqar-uz-Zaman?
59 વર્ષીય વકાર-ઉઝ-ઝમાનને જૂન 2024માં શેખ હસીના દ્વારા સેના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ શેખ હસીનાના સંબંધી પણ છે. 19 વર્ષની ઉંમરે સેનામાં જોડાયેલા વકાર 2013માં મેજર જનરલ બન્યા હતા. શેખ હસીનાના શાસન દરમિયાન તેમનો દબદબો હતો, પરંતુ રસપ્રદ વાત એ છે કે જ્યારે હસીના વિરુદ્ધ બળવો થયો, ત્યારે તેમણે હસીનાનો સાથ આપવાને બદલે વચગાળાની સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
કારણ ૧: ખલીલુર રહેમાન સાથેનો જૂનો વિવાદ
તારિક રહેમાને પોતાની સરકારમાં ખલીલુર રહેમાનને વિદેશ મંત્રી બનાવ્યા છે, જેઓ જનરલ વકારના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. વચગાળાની સરકારમાં જ્યારે ખલીલુર સંરક્ષણ મંત્રી હતા, ત્યારે વકાર અને તેમની વચ્ચે અનેકવાર શીતયુદ્ધ જોવા મળ્યું હતું. હવે ચૂંટાયેલી સરકારમાં મંત્રી બનતા ખલીલુર વધુ પાવરફુલ થયા છે.
હાલમાં બાંગ્લાદેશ સેનામાં ‘ચીફ ઓપરેશન સ્ટાફ’નું પદ ખાલી છે. ખલીલુર રહેમાન આ પદ પર વકારના વિરોધી મેજર મીર મુશફિકુર રહેમાનને બેસાડવા માંગે છે, જ્યારે વકાર પોતાના નજીકના અધિકારી મૈનુર રહેમાનની નિમણૂક ઈચ્છે છે. આ સત્તા સંઘર્ષમાં વકાર નબળા પડતા દેખાઈ રહ્યા છે.
કારણ ૨: બાંગ્લાદેશની ‘સેના પ્રમુખ બદલવાની’ પરંપરા
બાંગ્લાદેશના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો ખબર પડે છે કે જ્યારે પણ નવી સરકાર સત્તામાં આવે છે, ત્યારે તે જૂના સેના પ્રમુખને બદલી નાખે છે:
- 1996: શેખ હસીનાએ સત્તા સંભાળતા જ અબુ સાલેહ નસીમને હટાવી મહેબુબુર રહેમાનને લાવ્યા.
- 2001: ખાલિદા ઝિયાએ પીએમ બન્યાના થોડા જ મહિનામાં હારુન રસીદની રજા કરી દીધી.
- 2008: ફરી સત્તામાં આવતા હસીનાએ મોઈન ઉદ્દીન અહમદને હટાવ્યા હતા.
આ પરંપરા મુજબ તારિક રહેમાન પણ વકાર-ઉઝ-ઝમાન પર ભરોસો મૂકે તેવી શક્યતા ઓછી છે, કારણ કે આવામી લીગના શાસનકાળમાં નિયુક્ત થયેલા અધિકારી નવી સરકાર માટે ‘વિશ્વાસપાત્ર’ ગણાતા નથી.
અમેરિકા સાથેના કનેક્શનનો આરોપ
જનરલ વકાર માટે મુશ્કેલી એ પણ છે કે આવામી લીગે તેમના પર અમેરિકા સાથે મિલીભગતનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ, તારિક રહેમાનની નવી સરકાર પોતાની રીતે સેના પર પકડ મજબૂત કરવા માંગે છે. સેનામાં તારિકનો કોઈ અંગત ભરોસાપાત્ર અધિકારી ન હોવાથી તેઓ વકારને હટાવી પોતાના વફાદાર અધિકારીને સેનાની કમાન સોંપવા આતુર છે.

