નવી દિલ્હી : ચેપી રોગચાળો કોરોના વાયરસને લઇ બીજો મોટો ખતરો સામે આવ્યો છે. ફ્રાન્સના શહેર પેરિસમાં કોવિડ -19 વાયરસ પાણીમાં પણ જોવા મળ્યા છે. આ વાતની પુષ્ટિ શહેરના અધિકારી દ્વારા કરવામાં આવી છે.
અધિકારી સેલિયા બ્લાઉલે કહ્યું કે, પેરિસના બિન-પીવાલાયક પાણીમાં નવા કોરોના વાયરસના ‘માઇનસક્યુલ’ માઇક્રોસ્કોપિક નિશાન મળી આવ્યા છે. આ પાણીનો ઉપયોગ રસ્તાઓ સાફ કરવા વગેરેમાં થાય છે. અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં પીવાના પાણીના દૂષિત થવાનું કોઈ જોખમ નથી. એટલે લોકોને પાણી પીવાથી ડરવાની કોઈ જરૂર નથી. પીવાલાયક પાણીમાં આ વાયરસ મળી આવ્યો નથી, એટલે કોઈએ તરસ્યા રહેવાની જરૂર નથી.
બ્લાઉલે કહ્યું કે, પેરિસ જળ ઓથોરિટી પ્રયોગશાળાએ રાજધાનીની આસપાસથી એકત્રિત થયેલા 27 નમૂનાઓમાંથી ચારમાં વાયરસની માઇક્રોસ્કોપિક માત્રા શોધી કાઢી છે. સાવચેતીના રૂપમાં આ કેન્દ્રોને તાત્કાલિક બંધ કરવામાં આવ્યા હતા. તેની ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવી રહી છે.