યેઝ્દીની નવી ધાંસુ બાઇક 23 એપ્રિલે થશે લોન્ચ, કંપનીએ ટીઝર રિલીઝ કરી વધારી ઉત્તેજના
બાઇક પ્રેમીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. યેઝ્દી (Yezdi) મોટરસાઇકલ આગામી 23 એપ્રિલે ભારતીય બજારમાં એક શક્તિશાળી નવી બાઇક ઉતારવા જઈ રહી છે. કંપનીએ તાજેતરમાં જ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ટીઝર શેર કર્યું છે, જેણે લોકોમાં ભારે કુતૂહલ જગાડ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, આ નવી બાઇક યેઝ્દીની લોકપ્રિય ‘સ્ક્રેમ્બલર’ (Scrambler) નું અપડેટેડ મોડલ હોઈ શકે છે.
કેમ મનાય છે કે આ સ્ક્રેમ્બલર જ હશે?
ક્લાસિક લિજેન્ડ્સ હસ્તકનો આ બ્રાન્ડ હાલમાં ભારતમાં ત્રણ મુખ્ય મોડલ વેચે છે: એડવેન્ચર, રોડસ્ટર અને સ્ક્રેમ્બલર. કંપનીએ અગાઉ એડવેન્ચર અને રોડસ્ટરના અપડેટેડ વર્ઝન માર્કેટમાં ઉતારી દીધા છે, તેથી હવે સ્ક્રેમ્બલરનો વારો હોવાનું લગભગ નક્કી મનાય છે. જોકે કંપનીએ હજુ સુધી નામની સત્તાવાર જાહેરાત નથી કરી, પણ 23 એપ્રિલની તારીખ ફિક્સ કરી દીધી છે.
ડિઝાઇનમાં જોવા મળશે આકર્ષક ફેરફારો
નવી 2026 યેઝ્દી સ્ક્રેમ્બલરમાં લુક અને સ્ટાઇલ બાબતે ઘણા ફેરફારો જોવા મળી શકે છે. અહેવાલો મુજબ:
- નવી લાઇટિંગ: બાઇકમાં નવી LED હેડલાઇટ અને ટેલલાઇટની સાથે અપડેટેડ ઇન્ડિકેટર્સ જોવા મળી શકે છે, જે બાઇકને સ્લિમ અને પ્રીમિયમ લુક આપશે.
- એન્જિન ફિનિશ: જૂના બ્લેક અને બોક્સી કવરને બદલે હવે બ્રોન્ઝ ફિનિશ વાળું એન્જિન કવર જોવા મળશે.
- બેઠક વ્યવસ્થા: પાછળ બેસનાર મુસાફર (પિલિયન) માટે નવા ફૂટરેસ્ટ બ્રેકેટ અને સિંગલ ગ્રેબરેલને બદલે નવી સ્પ્લિટ ગ્રેબરેલ આપવામાં આવશે.
- નવા કલર્સ: બાઇકને ફ્રેશ લુક આપવા માટે કંપની કેટલાક નવા અને વાઇબ્રન્ટ કલર ઓપ્શન પણ રજૂ કરી શકે છે.
Well, at least it’s not 69 days to go 😉#StayTuned #YezdiForever pic.twitter.com/nvu4P8NAMd
— yezdiforever (@yezdiforever) April 5, 2026
એન્જિન અને પરફોર્મન્સ: વધુ પાવરફુલ અનુભવ
નવી સ્ક્રેમ્બલરમાં એ જ ભરોસાપાત્ર Alpha2 એન્જિનનો ઉપયોગ કરવામાં આવશે જે યેઝ્દીની અન્ય બાઇક્સમાં જોવા મળે છે.
- એન્જિન ક્ષમતા: 334cc, સિંગલ-સિલિન્ડર એન્જિન.
- પાવર: આ એન્જિન 29 bhp પાવર અને 29.8 Nm ટોર્ક જનરેટ કરે છે.
- બદલાવ: એવું મનાય છે કે કંપની એન્જિનને વધુ સારી રીતે ટ્યુન કરશે જેથી રાઇડરને શાનદાર એક્સિલરેશન અને સ્મૂધ રાઇડિંગનો અનુભવ મળે. રાઇડિંગ કમ્ફર્ટ વધારવા માટે હાર્ડવેરમાં પણ નાના-મોટા ફેરફાર થઈ શકે છે.
કિંમત અને સ્પર્ધા
ગયા વર્ષે 2025માં આ બાઇકના ટેસ્ટિંગ મોડલને રસ્તા પર દોડતા જોવામાં આવ્યું હતું, ત્યારથી જ ફેન્સ તેની રાહ જોઈ રહ્યા હતા. આ અપડેટેડ મોડલ બજારમાં આવ્યા પછી તેની સીધી સ્પર્ધા રોયલ એનફિલ્ડ અને હોન્ડા જેવી બ્રાન્ડ્સની બાઇક્સ સાથે થશે. જો તમે પણ નવી અને સ્ટાઇલિશ બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો 23 એપ્રિલ સુધીની રાહ જોવી ફાયદાકારક સાબિત થઈ શકે છે.

