દક્ષિણ કોરિયાના પૂર્વ રાષ્ટ્રપતિને આજીવન કેદ! ‘માર્શલ લો’ લગાવવો પડ્યો ભારે, કોર્ટે સંભળાવી મોટી સજા

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
2 Min Read

દક્ષિણ કોરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલને મોટો ઝટકો: ‘માર્શલ લો’ કેસમાં કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

દક્ષિણ કોરિયાની એક અદાલતે પૂર્વ રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલને દેશમાં ગેરકાયદેસર રીતે માર્શલ લો લાગુ કરવા અને બંધારણીય કટોકટી ઊભી કરવા બદલ દોષિત જાહેર કર્યા છે. કોર્ટે આ મામલે કડક વલણ અપનાવતા તેમને આજીવન કેદની સજા સંભળાવી છે.

શું હતો સમગ્ર મામલો?

65 વર્ષીય યૂન સુક યેઓલ પર વર્ષ 2024માં માર્શલ લો જાહેર કરીને દેશમાં બળવો કરવાનું નેતૃત્વ કરવાનો આરોપ હતો. એપ્રિલ મહિનાથી તેમની વિરુદ્ધ વિવિધ ગુનાહિત કાયદાઓ હેઠળ કેસ ચાલી રહ્યો હતો. સિયોલ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશોએ ગુરુવારે તેમને “બળવાના મુખ્ય સૂત્રધાર” ગણાવી આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. જોકે, સરકારી વકીલોએ તેમના માટે મૃત્યુદંડની માંગ કરી હતી, પરંતુ કોર્ટે આજીવન કેદની સજા પર મહોર મારી છે.

- Advertisement -

Yoon Suk Yeol.jpg

કેમ લગાવ્યો હતો માર્શલ લો?

3 ડિસેમ્બર 2024ની રાત્રે અચાનક માર્શલ લો જાહેર કરીને યૂને દાવો કર્યો હતો કે વિરોધ પક્ષો દ્વારા નિયંત્રિત સંસદમાં રહેલી “રાષ્ટ્રવિરોધી શક્તિઓ” ને ખતમ કરવા માટે આ જરૂરી છે. તેમણે સંસદને “ગુનેગારોનો અડ્ડો” ગણાવ્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે વિપક્ષ તેમની સરકારને કામ કરતા રોકી રહ્યો છે. તેમના આ આદેશ સાથે જ તમામ રાજકીય પ્રવૃત્તિઓ પર રોક લગાવી દેવામાં આવી હતી અને મીડિયા પર સૈન્ય નિયંત્રણ લાદી દેવામાં આવ્યું હતું. સશસ્ત્ર સૈનિકોએ સંસદ અને ચૂંટણી પંચની ઓફિસો પર દરોડા પાડ્યા હતા.

- Advertisement -

જનતાના આક્રોશ સામે 6 કલાકમાં હાર માનવી પડી

યૂન સુક યેઓલના આ સરમુખત્યારશાહી નિર્ણય સામે દક્ષિણ કોરિયાની જનતા રસ્તા પર ઉતરી આવી હતી. ટીવી પર જાહેરાત થતાની સાથે જ હજારો નાગરિકો સંસદ ભવન તરફ દોડી ગયા હતા અને સૈનિકોનો સામનો કર્યો હતો. લોકોએ સૈનિકોને સંસદના મુખ્ય હોલમાં પ્રવેશતા અટકાવ્યા હતા. બીજી તરફ, સાંસદોએ અડધી રાત્રે એકઠા થઈને બહુમતીથી રાષ્ટ્રપતિના આ આદેશને રદ કરી દીધો હતો. ભારે દબાણને વશ થઈને યૂને માત્ર 6 કલાકમાં જ પોતાનો આદેશ પાછો ખેંચવો પડ્યો હતો.

Yoon Suk Yeol1.jpg

મુખ્ય ન્યાયાધીશ જી ક્વી-યોને ચુકાદો આપતા કહ્યું કે, “યૂને કાયદાકીય પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કર્યું અને હિંસક માધ્યમોનો ઉપયોગ કરીને લોકશાહીના ધોરણોને નબળા પાડવાનો પ્રયાસ કર્યો છે.” આ સજા દક્ષિણ કોરિયાના લોકશાહી ઈતિહાસમાં એક સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે.

- Advertisement -
Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.