AI સમિટ હંગામો: યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ ચિબની ધરપકડ, પૂછપરછ બાદ પોલીસે કરી કાર્યવાહી
દિલ્હીના પ્રખ્યાત ભારત મંડપમમાં આયોજિત ‘AI સમિટ’ દરમિયાન થયેલા વિરોધ પ્રદર્શનના મામલામાં દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ભારતીય યુથ કોંગ્રેસ (IYC) ના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ ચિબની પોલીસે ધરપકડ કરી છે. સોમવારથી ચાલી રહેલી લાંબી પૂછપરછ બાદ પોલીસે આ પગલું ભર્યું છે. પોલીસનો આરોપ છે કે સમિટમાં થયેલા આ આકસ્મિક પ્રદર્શનનું સમગ્ર આયોજન અને રૂપરેખા તૈયાર કરવામાં ઉદય ભાનુની મુખ્ય ભૂમિકા હતી.
પૂછપરછમાં સહકાર ન આપવાનો આરોપ
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ઉદય ભાનુને સોમવારે તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે, પૂછપરછ દરમિયાન તેમણે પોલીસને સહકાર આપ્યો નહોતો અને મોટાભાગના પ્રશ્નોના જવાબો આપવાનું ટાળ્યું હતું અથવા તપાસને ભટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ પાસે આ પ્રદર્શન પાછળ તેમની સંડોવણી હોવાના પર્યાપ્ત પુરાવા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હવે પોલીસ તેમને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરશે જેથી આ સમગ્ર ઘટના પાછળના ષડયંત્રનો ખુલાસો થઈ શકે.
અત્યાર સુધીમાં કુલ 8 લોકોની ધરપકડ
આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની કુલ સંખ્યા હવે આઠ પર પહોંચી ગઈ છે. સોમવારે જ અન્ય ત્રણ કાર્યકરો – જિતેન્દ્ર યાદવ, રાજા ગુર્જર અને વિમલ અજય કુમારની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ મધ્યપ્રદેશના ગ્વાલિયર અને ભીંડ વિસ્તારના પદાધિકારીઓ છે. આ અગાઉ ચાર અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ હંગામો ત્યારે થયો હતો જ્યારે એક્ઝિબિશન હોલની અંદર ઉચ્ચ સ્તરીય સમિટ ચાલી રહી હતી.
કેવી રીતે કરી હતી હોલમાં એન્ટ્રી?
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પ્રદર્શનકારીઓએ ખૂબ જ વ્યવસ્થિત રીતે આયોજન કર્યું હતું. તેમણે ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી હતી અને ક્યુઆર કોડ (QR Code) દ્વારા હોલમાં પ્રવેશ મેળવ્યો હતો. સુરક્ષાકર્મીઓને શંકા ન જાય તે માટે તેમણે રાજકીય સૂત્રો લખેલી ટી-શર્ટ ઉપર સ્વેટર અને જેકેટ પહેર્યા હતા. હોલની અંદર પહોંચ્યા બાદ તેમણે કપડાં ઉતારીને વડાપ્રધાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પ્રદર્શન શરૂ કર્યું હતું.
પવન ખેડાના આકરા પ્રહાર: ‘શું આતંકવાદીઓ પકડાઈ ગયા?’
ઉદય ભાનુની ધરપકડ બાદ કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ તેને ‘સરમુખત્યારશાહી’ ગણાવતા કહ્યું કે, “સરકારને શાંતિપૂર્ણ વિરોધથી વાંધો છે. જે તેમને અરીસો બતાવશે તેને તેઓ જેલમાં નાખી દેશે.” તેમણે સવાલ ઉઠાવ્યો કે શું પુલવામા, પહલગામ અને લાલ કિલ્લાના હુમલા પાછળના આતંકવાદીઓ પકડાઈ ગયા છે? સરકાર આતંકવાદીઓને પકડવામાં નિષ્ળ રહી છે, પરંતુ કોઈ યુવાન શર્ટ ઉતારીને વિરોધ કરે તો તેનાથી ડરી જાય છે.

