Video: માત્ર 7 કપડાં ધોવાનું બિલ આવ્યું ₹5900! હોટલની રસીદ જોઈને બિઝનેસમેન પણ ચોંકી ગયા
લક્ઝરી હોટલોમાં રોકાવું એ ઘણીવાર સ્ટેટસ સિમ્બોલ ગણાય છે. આલીશાન રૂમ અને શાનદાર સર્વિસ દરેકને ગમે છે, પરંતુ ક્યારેક આ સુવિધાઓની કિંમત એટલી વધારે હોય છે કે સારા-સારા અમીરો પણ માથું ખંજવાળવા લાગે છે. હાલમાં જ જાણીતા ઉદ્યોગસાહસિક કુણાલ બહલ સાથે કંઈક આવું જ બન્યું, જેમણે પોતાનો લોન્ડ્રી બિલ સોશિયલ મીડિયા પર શેર કર્યું અને જોતજોતામાં તે વાયરલ થઈ ગયું.
શું છે સમગ્ર મામલો?
ફેમસ એન્ટરપ્રેન્યોર કુણાલ બહલ હાલમાં એક બિઝનેસ ટ્રીપ પર હતા અને એક પ્રતિષ્ઠિત ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા હતા. આ મુસાફરી દરમિયાન તેમણે હોટલની લોન્ડ્રી સર્વિસમાં માત્ર સાત કપડાં ધોવા માટે આપ્યા હતા. જ્યારે કપડાં ધોવાઈને આવ્યા અને તેની સાથે જે બિલ આવ્યું, તે જોઈને કુણાલના હોશ ઉડી ગયા. હોટલે આ સાત કપડાં માટે 5,900 રૂપિયા (ટેક્સ વગર) ચાર્જ કર્યા હતા. એટલે કે સરેરાશ એક કપડું ધોવાની કિંમત 800 રૂપિયાથી પણ વધુ બેઠી!
Part 2 of hotels being out of touch with changing services landscape for consumers 🙃
Laundry of 7 pieces of basic garments during work travel = ₹5900 + taxes
Some of the garments cost less than the laundry 😬
Founders: anyone building quick commerce for laundry? https://t.co/YOtlRR9EWC pic.twitter.com/zYHJ1ZHX2Y
— Kunal Bahl (@1kunalbahl) February 18, 2026
કુણાલ બહલે સોશિયલ મીડિયા પર ઠાલવ્યો રોષ
કુણાલે આ અકલ્પનીય બિલનો ફોટો એક્સ (X) પર શેર કરતા હોટલ ઇન્ડસ્ટ્રી પર કટાક્ષ કર્યો હતો. તેમણે લખ્યું કે, હોટલ ઇન્ડસ્ટ્રી ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોથી કેટલી દૂર છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. તેમણે રમુજમાં એમ પણ ઉમેર્યું કે, કદાચ આ બિલની રકમ તો તેમણે ધોવા આપેલા કેટલાક કપડાંની મૂળ કિંમત કરતા પણ વધારે હશે. તેમની આ પોસ્ટ પર નેટિઝન્સે હોટલોની મનસ્વી કિંમતો વિશે ઉગ્ર ચર્ચાઓ શરૂ કરી દીધી છે.
ક્વિક કોમર્સના યુગમાં લોન્ડ્રીની જૂની પદ્ધતિ?
આજના સમયમાં બ્લિંકિટ (Blinkit) અને ઝેપ્ટો (Zepto) જેવી કંપનીઓએ લોકોની ખરીદીની રીત બદલી નાખી છે. મિનિટોમાં ઘર સુધી સામાન પહોંચી જાય છે. કુણાલનો ઈશારો એ તરફ હતો કે જ્યારે ટેકનોલોજી આટલી આગળ વધી ગઈ છે, ત્યારે હોટલો હજુ પણ લોન્ડ્રી જેવી પાયાની સુવિધા માટે આટલી મોટી રકમ કેમ વસૂલે છે? શું ગ્રાહકોને વધુ સસ્તો અને પારદર્શક વિકલ્પ ન મળવો જોઈએ?
ગ્રાહકનો બદલાતો વ્યવહાર
આ ઘટના માત્ર એક બિલ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે બદલાતા ગ્રાહક માનસને પણ દર્શાવે છે. આજનો ગ્રાહક ગમે તેટલો સમૃદ્ધ હોય, પરંતુ તે સુવિધાની સાથે વાજબી કિંમતની અપેક્ષા પણ રાખે છે. સોશિયલ મીડિયાના જમાનામાં જ્યારે દરેક અનુભવ જાહેર થાય છે, ત્યારે હોટલોએ તેમના ‘પ્રાઇસિંગ મોડેલ’ પર વિચાર કરવાની જરૂર છે.