જિલ્લાના તમામ આયુર્વેદ અને હોમિયોપેથીક તબીબો દ્વારા વન ઔષધી સંવર્ધનની શપથ લેવામાં આવી
વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકામાં આવેલા પાનસ ડુંગરી ખાતે જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ઉર્વીબેન પટેલના માર્ગદર્શન હેઠળ વન ઔષધી પરિચય શિબિરનું આયોજન જિલ્લાના તમામ હોમિયોપેથીક અને આયુર્વેદિક મેડિકલ ઓફિસર માટે કરવામાં આવ્યું હતું.
હવા ખાવાના સ્થળ તરીકે જાણીતા અને સહ્યાદ્રિ પર્વતમાળાની વચ્ચે સ્થિત નાનાપોંઢા તાલુકાના પાનસ ડુંગરી ગામ ડુંગરાળ અને જંગલ વિસ્તારથી ઘેરાયેલુ છે. લગભગ ૫૬ હેક્ટરમાં ફેલાયેલું આ સ્થળ વન ઔષધી પ્રેમીઓ માટે ખૂબ મહત્વનું છે. અહીં ૫૦૦ થી વધુ જુદી જુદી જગ્યાએથી લાવવામાં આવેલી દેશી અને વિદેશી ઔષધીઓ રોપવામાં આવેલી છે. આ ઉપરાંત અહીં જંગલ વિસ્તારમાં દુર્લભ ઔષધીઓ પણ મળી આવે છે. વહેલી સવારે સૌ કોઈ પાનસ ડુંગરીની તળેટી પાસે પહોંચી ગયા હતા, જ્યાં સૌ એ પ્રાકૃતિક પીણાનો આસ્વાદ માણી ઔષધીનો પરિચય લેતા લેતા પાનસડુંગરી પર ચઢવાની શરૂઆત કરી હતી. સૌ કોઈ રસ્તામાં આવતી તમામ ઔષધીય વનસ્પતિઓની ઓળખ અને તેના ઉપયોગ વિશે માહિતી લેતા લેતા ઉપર પહોંચ્યા હતા. જ્યાં રસ્તામાંથી સંગ્રહ કરેલી ઔષધીઓ પર વાર્તાલાપ કરી અને સૌએ પોતાનું જ્ઞાનવર્ધન કર્યું હતું.
વન ઔષધીઓના પરિચયમાં અર્જુન, ગરમાળો, બેહડા, કાંચનાર, અરીઠા, ઉંબરો, નગોડ, જળ જમની, કદંબ, અપામાર્ગ, સિંદુરી પારિજાત, પીપળો, બોર, દરોઇ, ગુલાબ, મત્સ્યાક્ષી, બાવળ, પિત્ત ભૃંગરાજ, વિદારીકંદ, શતાવરી, ચણોઠી, સહદેવી, શિવલિંગી, કોકીલાક્ષ, સારીવા અને ડોડી વગેરે જેવી વનસ્પતિઓનો ઔષધીય પરિચય મેળવ્યો હતો. પાનસ ડુંગરી પર પહોંચીને સૌએ ઘર જેવા સાત્વિક ભોજનનો આનંદ માળ્યો હતો. ત્યારબાદ ફરીથી થોડું વન ભ્રમણ કરી અન્ય ઔષધીઓ વિશે જાણકારી લીધી હતી સાથે જ વોચ ટાવર ઉપરથી સમગ્ર વનનો સુંદર દુર્લભ નજારો અને સહ્યાદ્રીની પર્વતમાળાઓ જોઈ હતી. સાથે જ જંગલમાં જોવા મળતા વન્ય પ્રાણી અજગર અને શાહુડીના રહેઠાણ જોવા મળ્યા હતા જ્યાં તેના દુર્લભ પીછા અને કંટક પણ જોવા મળ્યા હતા. કાર્યક્રમના અંતે વન ઔષધી સંવર્ધનની શપથ લેવામાં આવી હતી.
