U-19 વર્લ્ડ કપ જીત્યા બાદ ડ્રેસિંગ રૂમમાં ઝૂમ્યો ઉત્સવ વૈભવ સૂર્યવંશી ભોજપુરી ગીત પર નાચ્યો, વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે ફરી એક વખત વિશ્વ ક્રિકેટમાં પોતાનું દબદબો સાબિત કર્યું છે. ઇંગ્લેન્ડને ફાઇનલમાં 100 રને હરાવી ભારતે છઠ્ઠી વખત U-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. આ ઐતિહાસિક જીત બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ડ્રેસિંગ રૂમમાં ખાસ રીતે આ વિજયની ઉજવણી કરી.
આ ઉજવણી દરમિયાન ભારતીય ટીમના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશી ચર્ચાનું કેન્દ્ર બન્યો, જ્યારે તે ડ્રેસિંગ રૂમમાં ભોજપુરી ગીત પર નાચતો જોવા મળ્યો. તેની સાથે અન્ય ખેલાડીઓ પણ આ ઉજવણીમાં જોડાયા હતા.
ભોજપુરી ગીત પર વૈભવનો ઝમઝમાટ
ફાઇનલ જીત્યા બાદ ડ્રેસિંગ રૂમમાં ચાલતી ઉજવણીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને વૈભવ સૂર્યવંશીની IPL ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે.
આ વીડિયોમાં વૈભવ કહેતો જોવા મળે છે કે “પંજાબી ગીત તો સમજાતું નથી મિત્રો, હવે ભોજપુરી ગીત વાગશે.” ત્યારબાદ તે પવન સિંહની લોકપ્રિય ભોજપુરી ફિલ્મ ‘ભોજપુરિયા રાજ’ના ગીત “સોરી સોરી કહા તારુ” પર નાચતો જોવા મળે છે.વૈભવની સાથે ડ્રેસિંગ રૂમમાં હાજર અન્ય ભારતીય ખેલાડીઓ પણ આ ગીત પર નૃત્ય કરતા જોવા મળે છે. વીડિયાના અંતે વૈભવ મજાકિયા અંદાજમાં કહે છે કે “આજ માટે મારી તરફથી એટલું જ.”
સોશિયલ મીડિયામાં પ્રશંસાનો વરસાદ
વૈભવ સૂર્યવંશીના આ નૃત્ય વીડિયોને ક્રિકેટ ચાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ચાહકો વૈભવની સરળતા, આત્મવિશ્વાસ અને જીત બાદની ખુશીની ખુલ્લી અભિવ્યક્તિના વખાણ કરી રહ્યા છે.ઘણા ચાહકોનું માનવું છે કે આવી ઉજવણી યુવા ખેલાડીઓની ટીમ સ્પિરિટ અને આનંદી માહોલ દર્શાવે છે, જે સફળતાનો મહત્વપૂર્ણ ભાગ છે.
ફાઇનલમાં વૈભવની ઐતિહાસિક ઇનિંગ્સ
ડ્રેસિંગ રૂમમાં નૃત્ય કરતાં જોવા મળેલો વૈભવ મેદાન પર પણ એટલો જ વિસ્ફોટક સાબિત થયો હતો. ઇંગ્લેન્ડ સામેની ફાઇનલ મેચમાં તેણે માત્ર 80 બોલમાં 175 રનની તોફાની ઇનિંગ્સ રમી.આ ઇનિંગ્સ દરમિયાન વૈભવે 15 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા અને ઇંગ્લેન્ડના બોલરોને સંપૂર્ણપણે બેકફૂટ પર ધકેલી દીધા. તેની આ ઇનિંગ્સના આધારે ભારતે 50 ઓવરમાં 411 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો.
અન્ય ખેલાડીઓનું પણ મહત્વપૂર્ણ યોગદાન
વૈભવ ઉપરાંત ટીમના કેપ્ટન આયુષ મ્હાત્રેએ 53 રનની મહત્વપૂર્ણ અર્ધસદી રમી. વિકેટકીપર બેટ્સમેન અભિજ્ઞાન કુંડુએ પણ 40 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી અને ટીમના સ્કોરને વધુ મજબૂત બનાવ્યો.412 રનના લક્ષ્યનો પીછો કરતી ઇંગ્લેન્ડની ટીમ 311 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ભારતે મેચ 100 રને જીતી લીધી.
View this post on Instagram
સમગ્ર ટૂર્નામેન્ટમાં ભારતનું શાનદાર પ્રદર્શન
ભારતીય U-19 ટીમનું સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન પ્રદર્શન અત્યંત શાનદાર રહ્યું. ટીમ ઈન્ડિયાએ લીગ સ્ટેજથી લઈને સુપર સિક્સ, સેમિફાઇનલ અને ફાઇનલ સુધી એક પણ મેચ હાર્યા વિના વર્લ્ડ કપ જીત્યો.ભારતે અગાઉ 2000, 2008, 2012, 2018 અને 2022માં U-19 વર્લ્ડ કપ જીત્યો હતો. 2026માં ફરી ખિતાબ જીતીને ભારતે આ ટૂર્નામેન્ટમાં પોતાની અદ્વિતીય પ્રભુત્વ સાબિત કરી દીધું છે.
યુવા ઉત્સાહ અને ઉજ્જવળ ભવિષ્ય
ડ્રેસિંગ રૂમમાં વૈભવ સૂર્યવંશી અને ટીમના અન્ય ખેલાડીઓની ઉજવણી એ દર્શાવે છે કે આ યુવા ટીમ માત્ર મેદાન પર જ નહીં, પરંતુ મેદાનની બહાર પણ એકસાથે આનંદ માણતી અને મજબૂત બોન્ડ ધરાવતી ટીમ છે.આ જીત સાથે ભારતને માત્ર એક ટ્રોફી જ નહીં, પરંતુ ભવિષ્યના ઘણા મોટા ક્રિકેટ સ્ટાર પણ મળ્યા છે.
