BJP ની પશ્ચિમ બંગાળ વિજયની તૈયારી: પરિવર્તન રથયાત્રામાં પીએમ મોદી આપશે હાજરી, જાણો શું છે રણનીતિ

3 Min Read

બંગાળ જીતવા માટે ભાજપનો ‘માસ્ટર પ્લાન’: 1 માર્ચથી શરૂ થશે ‘પરિવર્તન રથયાત્રા’, સમાપન રેલીમાં પીએમ મોદી ગજવશે મેદાન

પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીનો જંગ જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. મમતા બેનર્જીના ગઢમાં ગાબડું પાડવા માટે ભાજપ હવે આખા રાજ્યમાં ‘પરિવર્તન રથયાત્રા’ કાઢવાની તૈયારી કરી રહ્યું છે. આ યાત્રા દ્વારા ભાજપ રાજ્યના ખૂણેખૂણે પહોંચીને તૃણમૂલ કોંગ્રેસ (TMC) વિરુદ્ધ જનમત તૈયાર કરશે. આ મહાભિયાનની સૌથી મોટી વાત એ છે કે તેના સમાપન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે હાજર રહેશે અને કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પરથી જંગી જનસભાને સંબોધશે.

9 રથયાત્રાઓ અને 5,000 કિમીનો પ્રવાસ

પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યએ આ અભિયાનની વિગતો આપતા જણાવ્યું કે, રાજ્યમાં લોકશાહી બચાવવા અને સંસ્થાગત ભ્રષ્ટાચારને ખતમ કરવાના સંદેશ સાથે કુલ 9 પરિવર્તન યાત્રાઓ કાઢવામાં આવશે. આ યાત્રાઓ આખા બંગાળમાં અંદાજે 5,000 કિમી થી વધુનું અંતર કાપશે.

- Advertisement -

યાત્રાનું સમયપત્રક:

  • 1 માર્ચ: કૂચબહાર સાઉથ, કૃષ્ણનગર સાઉથ, ગરબેટા, રાયદીઘી અને કુલ્ટીથી યાત્રાનો પ્રારંભ થશે.
  • 2 માર્ચ: ઈસ્લામપુર, સંદેશખાલી, હસન અને અમતાથી અન્ય રથ રવાના થશે.
  • વિરામ: 3 અને 4 માર્ચના રોજ હોળી-ધૂળેટીના પર્વને કારણે યાત્રા રોકવામાં આવશે.
  • લોકસંપર્ક: 5 થી 10 માર્ચ દરમિયાન આ યાત્રાઓ વિવિધ વિધાનસભા ક્ષેત્રોમાં ફરશે, જેમાં 60 મોટી જાહેર સભાઓ અને 300 થી વધુ નાની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.

pm modi58.jpg

પીએમ મોદીની હાજરીમાં શક્તિ પ્રદર્શન

આ રથયાત્રાનું સમાપન માર્ચના બીજા અઠવાડિયાના અંતમાં (અંદાજે 14 અથવા 15 માર્ચ) કોલકાતામાં થશે. બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી આ વિશાળ રેલીમાં પીએમ મોદી બંગાળની જનતાને સંબોધશે. ભાજપના નેતાઓનું માનવું છે કે મોદીની આ સભા બંગાળના રાજકારણમાં નિર્ણાયક સાબિત થશે. યાત્રાના ઉદ્ઘાટન પ્રસંગે પણ ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહે તેવી શક્યતા છે.

- Advertisement -

સંદેશખાલીથી લઈને ભ્રષ્ટાચાર સુધીના મુદ્દાઓ

ભાજપ આ યાત્રા દ્વારા ખાસ કરીને સંદેશખાલી જેવી ઘટનાઓ અને રાજ્યમાં વધી રહેલા ભ્રષ્ટાચારના મુદ્દે મમતા સરકારને ઘેરશે. સમિક ભટ્ટાચાર્યએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 15 વર્ષમાં બંગાળમાં સામાન્ય માણસના લોકતાંત્રિક અધિકારો છીનવાઈ ગયા છે. ભાજપ આ યાત્રાના માધ્યમથી સમાજના દરેક વર્ગ સુધી પહોંચીને ‘અસલી પરિવર્તન’નો નારો બુલંદ કરશે.

Amit Shah Gujarat Visit

અમિત શાહ અને નડ્ડાના સતત પ્રવાસ

બંગાળની ગંભીરતાને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સતત રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે. છેલ્લા દોઢ મહિનામાં તેઓ ત્રણ વાર બંગાળ જઈ ચૂક્યા છે. ભાજપની આ આક્રમક રણનીતિ સામે હવે મમતા બેનર્જી અને તેમની ટીમ કેવી રીતે જવાબ આપે છે, તેના પર આખા દેશની નજર છે.

- Advertisement -
Share This Article