‘ડેવલપમેન્ટ’ ને બદલે ‘ડેવલપ’ બોલવું પડ્યું ભારે: AI સમિટમાં ગલગોટિયા યુનિવર્સિટીના ચીની રોબોટનો શું છે વિવાદ? સમજો વિગતવાર
રાજધાનીના ભારત મંડપમ ખાતે ચાલી રહેલા ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’ માં ગલગોટિયા યુનિવર્સિટીનો ‘રોબોડોગ’ (Robodog) અત્યારે વિવાદોનું કેન્દ્ર બન્યો છે. યુનિવર્સિટીના સ્ટોલ પર રાખવામાં આવેલા આ રોબોટને લઈને સોશિયલ મીડિયા પર હોબાળો મચ્યા બાદ હવે યુનિવર્સિટીએ સત્તાવાર સ્પષ્ટતા જારી કરી છે. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર નીતિન કુમાર ગૌરે જણાવ્યું છે કે પ્રોફેસર દ્વારા શબ્દોની પસંદગીમાં થયેલી ભૂલને કારણે આ આખો વિવાદ ઉભો થયો છે.
‘ડેવલપ’ અને ‘ડેવલપમેન્ટ’ વચ્ચેની ગેરસમજ
યુનિવર્સિટીના રજિસ્ટ્રાર નીતિન કુમાર ગૌરે સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વાયરલ વીડિયોમાં પ્રોફેસર નેહા સિંઘે ‘ઓરિયન’ નામના રોબોટને રજૂ કરતી વખતે ‘ડેવલપ’ (બનાવ્યું) અને ‘ડેવલપમેન્ટ’ (વિકાસ કાર્ય) શબ્દો વચ્ચે ગૂંચવણ અનુભવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, “અમે આ રોબોટ બનાવ્યો નથી, પરંતુ તેના પર રિસર્ચ અને ડેવલપમેન્ટનું કામ કરી રહ્યા છીએ. આ રોબોટ વિદ્યાર્થીઓના સંશોધન માટે ખરીદવામાં આવ્યો હતો. કદાચ પ્રોફેસર બોલવાના પ્રવાહમાં શબ્દોની પસંદગીમાં થાપ ખાઈ ગયા હશે.”
શું છે આખો વિવાદ?
સમિટના એક્સપો એરિયામાં ગલગોટિયા યુનિવર્સિટીના સ્ટોલ પર એક ચાર પગ વાળો રોબોટ (ક્વાડ્રુપિડ રોબોટ) રાખવામાં આવ્યો હતો. એક વીડિયોમાં પ્રોફેસર તેને યુનિવર્સિટીના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ની પ્રોડક્ટ તરીકે ઓળખાવતા જોવા મળ્યા હતા. જોકે, નેટીઝન્સે તરત જ પકડી પાડ્યું કે આ રોબોટ ચીની કંપની Unitree ના Go2 મોડલ જેવો જ છે, જે બજારમાં આશરે 2.5 લાખ રૂપિયામાં ઉપલબ્ધ છે. ‘મેક ઇન ઇન્ડિયા’ની થીમ પર આધારિત સમિટમાં વિદેશી પ્રોડક્ટને પોતાની ગણાવવા બદલ યુનિવર્સિટી પર ટીકાઓનો વરસાદ થયો હતો.
રાજકીય ગરમાવો અને સ્ટોલ ખાલી કરવાનો આદેશ
આ વિવાદ એટલો વધ્યો કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સરકાર પર નિશાન સાધ્યું અને તેને માત્ર ‘પ્રચાર’ ગણાવ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિવાદ વધતા સરકાર દ્વારા યુનિવર્સિટીને સ્ટોલ ખાલી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જોકે, રજિસ્ટ્રાર ગૌરે દાવો કર્યો છે કે તેમને હજુ સુધી આવો કોઈ સત્તાવાર આદેશ મળ્યો નથી અને આ બધું એક પ્રોપેગન્ડા હેઠળ કરવામાં આવી રહ્યું છે.
ભારત મંડપમમાં AI સમિટ
‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’ ભારત સરકારના IndiaAI મિશન હેઠળ 16 થી 20 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ રહી છે. જેમાં 20થી વધુ દેશોના નેતાઓ અને મોટા ટેક સીઈઓ (CEOs) ભાગ લઈ રહ્યા છે. આ સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય માનવ-કેન્દ્રિત AI અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવાનો છે. આવા મોટા પ્લેટફોર્મ પર ગલગોટિયા યુનિવર્સિટીનો આ વિવાદ સમિટની છબી પર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી રહ્યો છે.

