PM Modi મોદીના ઇઝરાયેલ પ્રવાસ પહેલા ભારતનો મોટો વળાંક: UNમાં વેસ્ટ બેંક મુદ્દે ઇઝરાયેલની આકરી નિંદા કરી

3 Min Read

PM Modi વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે ઇઝરાયેલના ઐતિહાસિક પ્રવાસે જવાના છે, પરંતુ તે પહેલા ભારતે સંયુક્ત રાષ્ટ્ર (UN)માં એક અત્યંત મહત્વનું કૂટનીતિક પગલું ભર્યું છે. ઇઝરાયેલ સાથે ગાઢ વ્યાપારી અને સૈન્ય સંબંધો હોવા છતાં, ભારતે ૧૦૦થી વધુ દેશો સાથે સુર પુરાવીને પશ્ચિમ કાંઠા (West Bank) પર ઇઝરાયેલના વધતા જતા કબ્જા અને ત્યાં વસાહતો સ્થાપવાના પ્રયાસોની આકરા શબ્દોમાં નિંદા કરી છે. ભારતના આ પગલાને આંતરરાષ્ટ્રીય સ્તરે એક સંતુલિત પણ મક્કમ વિદેશ નીતિ તરીકે જોવામાં આવે છે.

UNમાં ભારતનું કડક સ્ટેન્ડ

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ કરાયેલા એ નિવેદનનું સમર્થન કર્યું છે જેમાં ઇઝરાયેલની ગતિવિધિઓને આંતરરાષ્ટ્રીય કાયદાનું સીધું ઉલ્લંઘન ગણાવવામાં આવ્યું છે. ભારતે સમય મર્યાદા પૂરી થાય તે પહેલા જ આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ નિવેદનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ૧૯૬૭ પછીના પેલેસ્ટાઈની વિસ્તારોમાં વસ્તીનું માળખું કે તેની ભૌગોલિક સ્થિતિ બદલવાનો કોઈ પણ પ્રયાસ ગેરકાનૂની છે અને તે આ પ્રદેશમાં શાંતિ સ્થાપવાના પ્રયત્નોને ગંભીર નુકસાન પહોંચાડે છે.

મિત્રતા અને સિદ્ધાંતો વચ્ચેનું સંતુલન

ભારત અને ઇઝરાયેલ વચ્ચે સંરક્ષણ, કૃષિ અને ટેકનોલોજી ક્ષેત્રે અત્યંત મજબૂત સંબંધો છે. જોકે, ભારત વર્ષોથી ‘ટુ-સ્ટેટ સોલ્યુશન’ (Two-State Solution) એટલે કે ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન બંને સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વ ધરાવે તે નીતિનું સમર્થક રહ્યું છે. પીએમ મોદીના પ્રવાસના થોડા દિવસો પહેલા જ આવું વલણ અપનાવીને ભારતે વિશ્વને સંદેશ આપ્યો છે કે મિત્રતા એક તરફ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને ન્યાયના મામલે ભારત કોઈ બાંધછોડ કરશે નહીં.

- Advertisement -

ઇઝરાયેલની પ્રતિક્રિયા

બીજી તરફ, ઇઝરાયેલના વિદેશ મંત્રી ગિદોન સારએ આ નિંદા પ્રસ્તાવને ફગાવી દેતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પરિષદને ‘ઇઝરાયેલ વિરોધી માનસિકતા’ ધરાવતી સંસ્થા ગણાવી હતી અને ભારપૂર્વક કહ્યું હતું કે દુનિયાનું ધ્યાન UN પર નહીં પરંતુ વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પની પહેલ પર યોજાનારી ‘બોર્ડ ઓફ પીસ’ બેઠક પર હોવું જોઈએ. તેમણે એમ પણ ઉમેર્યું કે ઇઝરાયેલનો આ ભૂમિ પર ઐતિહાસિક અને ધાર્મિક અધિકાર છે.

આગામી સપ્તાહે જ્યારે વડાપ્રધાન મોદી ઇઝરાયેલની સંસદ ‘નેસેટ’ને સંબોધિત કરશે, ત્યારે આ કૂટનીતિક તણાવની શું અસર જોવા મળે છે તેના પર આખા વિશ્વની નજર રહેશે. ભારતની આ ‘બેલેન્સિંગ એક્ટ’ (સંતુલન જાળવવાની નીતિ) ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે.

- Advertisement -
Share This Article