CAAનું ભવિષ્ય શું? સુપ્રીમ કોર્ટમાં 5 મેથી મેરેથોન સુનાવણી, 243 અરજીઓએ વધાર્યું કેન્દ્ર સરકારનું ટેન્શન

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

CAA પર સુપ્રીમ કોર્ટમાં ‘આરપાર’ની લડાઈ: 5 મેથી 200થી વધુ અરજીઓ પર એકસાથે સુનાવણી શરૂ થશે

નાગરિકતા સુધારો કાયદો (CAA) ફરી એકવાર દેશની સર્વોચ્ચ અદાલતમાં ચર્ચાના કેન્દ્રમાં છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તે 5 મે, 2026 થી CAA અને તેના નિયમોને પડકારતી 243 જેટલી અરજીઓ પર અંતિમ સુનાવણી શરૂ કરશે. મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચી તથા વિપુલ એમ. પંચોલીની બેન્ચ આ મામલે સુનાવણી હાથ ધરશે. આ સુનાવણી મુખ્યત્વે બંધારણની કલમ 14 હેઠળ મળેલા ‘સમાનતાના અધિકાર’ ના કથિત ઉલ્લંઘન પર કેન્દ્રિત રહેશે.

અરજીઓનું બે જૂથમાં વિભાજન

સુપ્રીમ કોર્ટે કેસોની જટિલતાને જોતા તેને બે મુખ્ય જૂથમાં વહેંચવાનો આદેશ આપ્યો છે. પ્રથમ જૂથમાં આસામ અને ત્રિપુરાના કેસો હશે, જ્યાં ભૌગોલિક અને સાંસ્કૃતિક કારણો અલગ છે, જ્યારે બીજા જૂથમાં બાકીના દેશની અરજીઓનો સમાવેશ કરવામાં આવશે. નોડલ વકીલોને બે અઠવાડિયામાં આ યાદી તૈયાર કરી રજિસ્ટ્રીને સોંપવા જણાવાયું છે, જેથી 5 મેથી શરૂ થતા સપ્તાહમાં વ્યવસ્થિત રીતે સુનાવણી આગળ વધી શકે.

- Advertisement -

court.jpg

સુનાવણીનું સમયપત્રક નક્કી

કોર્ટે આ મહત્વપૂર્ણ મામલે સમયની પાબંદી પણ નક્કી કરી છે. આયોજન મુજબ, 5 મેના રોજ પ્રથમ સત્રમાં અરજદારો પોતાની દલીલો રજૂ કરશે. 6 મેના રોજ પણ અરજદારોને સમય અપાશે, જ્યારે 7 મેના રોજ સરકાર એટલે કે પ્રતિવાદીઓ પોતાનો પક્ષ રાખશે. ત્યારબાદ 12 મેના રોજ આ દલીલોના વળતા જવાબ (Rebuttal) આપવામાં આવશે. આ ચુસ્ત શેડ્યૂલ દર્શાવે છે કે કોર્ટ હવે આ વર્ષો જૂના વિવાદનો કાયમી ઉકેલ લાવવા માંગે છે.

- Advertisement -

શું છે વિવાદનું મુખ્ય કારણ?

CAA 2019 નો હેતુ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી 31 ડિસેમ્બર, 2014 પહેલા ભારત આવેલા હિન્દુ, જૈન, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને પારસી સમુદાયના લોકોને નાગરિકતા આપવાનો છે. વિવાદ ત્યારે વધ્યો જ્યારે આ કાયદામાં મુસ્લિમ સમુદાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અરજદારોનો તર્ક છે કે ધર્મના આધારે આ પ્રકારનું વર્ગીકરણ ભેદભાવયુક્ત છે અને તે ભારતના બિનસાંપ્રદાયિક માળખાની વિરુદ્ધ છે.

court.98.jpg

કાયદો ક્યારથી અમલમાં આવ્યો?

જોકે આ કાયદો ડિસેમ્બર 2019માં જ સંસદમાંથી પસાર થઈ ગયો હતો, પરંતુ તેના નિયમો બનાવવામાં વિલંબ થયો હતો. 11 માર્ચ, 2024 ના રોજ કેન્દ્ર સરકારે નિયમો અધિસૂચિત કર્યા અને દેશમાં CAA સત્તાવાર રીતે લાગુ થઈ ગયો. અગાઉ કોર્ટે આ કાયદા પર વચગાળાનો સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે અત્યારે આ કાયદો અમલમાં છે. હવે 5 મેની સુનાવણી બાદ જ નક્કી થશે કે CAA બંધારણીય રીતે માન્ય રહેશે કે કેમ.

- Advertisement -
Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.