આણંદ જિલ્લામાં 24×7 કાર્યરત ‘નેત્રમ’ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમથી સુરક્ષાનું અદૃશ્ય કવચ

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
3 Min Read

૨૫૦ થી વધુ સીસીટીવી કેમેરાના મોનિટરિંગથી આણંદ પોલીસની કામગીરી વધુ પારદર્શક અને અસરકારક

આણંદ જિલ્લામાં નાગરિકોની સુરક્ષા અને જાહેર વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ‘નેત્રમ’ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ ૨૪ કલાક કાર્યરત છે. જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીના સીધા મોનિટરિંગ હેઠળ ચાલતો આ પ્રોજેક્ટ ટેકનોલોજીના માધ્યમથી ગુનાખોરી ડામવા અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. આ કેન્દ્ર માત્ર પોલીસની કામગીરીને વેગ જ નથી આપતું, પરંતુ સામાન્ય જનતા માટે એક એવા ‘અદ્રશ્ય’ રક્ષક તરીકે કામ કરે છે જે સતત નજર રાખીને કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા સજ્જ છે.

૨૪ કલાક બાજ નજર: ૨૫૦ કેમેરા દ્વારા સતત લાઈવ મોનિટરિંગ

નેત્રમ ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. એમ. ચૌહાણ અને ૨૫ જેટલા નિષ્ણાત પોલીસ કર્મીઓ તેમજ એન્જિનિયરોની ટીમ તૈનાત છે. હાલમાં આણંદ, કરમસદ, વિદ્યાનગર અને ખંભાત જેવા શહેરોના ૨૫૦ જેટલા સીસીટીવી કેમેરાનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવે છે. આ વ્યવસ્થા દ્વારા ટ્રાફિક જંકશન, મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારો પર ચાંપતી નજર રખાય છે. વધુમાં, આગામી દિવસોમાં જિલ્લામાં બીજા ૫૫૦ નવા કેમેરા લગાવવાની યોજના છે, જેનાથી સુરક્ષાનું માળખું વધુ મજબૂત બનશે.

Anand Netram Command Control Room 1.png

- Advertisement -

માત્ર ગુનાખોરી જ નહીં, માનવીય સહાયમાં પણ ‘નેત્રમ’ અગ્રેસર

આ કમાન્ડ રૂમની કામગીરી માત્ર ચોરી કે લૂંટ રોકવા પૂરતી સીમિત નથી. જો કોઈ મુસાફર રિક્ષા કે જાહેર સ્થળે પોતાનો કિંમતી સામાન, મોબાઈલ કે પાકીટ ભૂલી જાય, તો નેત્રમના ફૂટેજ તપાસીને તેને પરત અપાવવામાં આવે છે. ગત વર્ષે જ ૧૩ મોબાઈલ અને ૫ લેપટોપ સહિત કુલ ૧૬ લાખનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત અપાયો હતો. આ ઉપરાંત, ગુમ થયેલા બાળકો, વૃદ્ધો કે અસ્થિર મગજની વ્યક્તિઓને શોધવામાં પણ આ સીસ્ટમ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

પારદર્શક ટ્રાફિક વ્યવસ્થા અને આધુનિક સર્વર રૂમ

નેત્રમ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. ગત વર્ષે ૨૯ હજારથી વધુ ઓનલાઇન ચલણો જનરેટ કરીને ૧.૬૦ કરોડ રૂપિયાની દંડની રકમ વસૂલવામાં આવી હતી. અહીં એક આધુનિક સર્વર રૂમ પણ બનાવવામાં આવ્યો છે, જ્યાં લાંબા સમય સુધી રેકોર્ડિંગ સુરક્ષિત રાખવામાં આવે છે. આ રેકોર્ડિંગ ગંભીર ગુનાઓના ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડવામાં પોલીસ માટે મહત્વના પુરાવા પૂરા પાડે છે.

- Advertisement -

Anand Netram Command Control Room 2.png

નાગરિકો માટે પોલીસની અપીલ: સતર્ક રહો અને સહયોગ આપો

આણંદ જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે ઈમરજન્સી સમયે તુરંત પોલીસનો સંપર્ક કરે. જો પ્રવાસ દરમિયાન સામાન ચોરાય કે ખોવાય, તો તુરંત નેત્રમ કન્ટ્રોલ રૂમની મુલાકાત લેવાથી ઝડપી મદદ મળી શકે છે. સરકારનો ઉદ્દેશ્ય ટેકનોલોજી અને પોલીસની સંવેદનશીલતા દ્વારા નાગરિકોમાં સુરક્ષાનો વિશ્વાસ મજબૂત કરવાનો છે, જેમાં નેત્રમ એક મહત્વનો સેતુ બની રહ્યું છે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.