અધૂરી નલ સે જલ યોજના પૂર્ણ કરાવવા કડક વલણ, પરીક્ષા કેન્દ્રોની શાંતિપૂર્ણ વ્યવસ્થા પર કલેકટરશ્રીનો ભાર
દાહોદના જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં જિલ્લાના વિવિધ વિભાગોની સમીક્ષા માટે સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ‘જળસંચય-જનભાગીદારી યોજના’ અંતર્ગત જિલ્લામાં ચાલી રહેલા જળસંગ્રહના કામોની વિગતો મેળવવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ તમામ વિભાગોને તાકીદ કરી હતી કે જે કામો અત્યારે પ્રગતિમાં છે, તે આગામી ૦૧ મે, ૨૦૨૬ સુધીમાં કોઈપણ સંજોગોમાં પૂર્ણ કરી લેવા જોઈએ જેથી તેનો લાભ જનતાને મળી શકે.
કૃષિ વિકાસ અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા મહત્વના નિર્ણયો
બેઠકમાં ખેતીવાડી વિભાગની કામગીરીની સમીક્ષા કરતા કલેક્ટરશ્રીએ રાષ્ટ્રીય ખાદ્ય તેલ મિશન હેઠળ સોયાબીન, ચણા, તુવર અને અડદના વાવેતરમાં વધારો કરવા સૂચના આપી હતી. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને જીવામૃત બનાવવા સહાય આપવા અને માસ્ટર ટ્રેનર્સ તેમજ કૃષિ સખીઓની નિમણૂક કરવા પર ભાર મૂક્યો હતો. વધુમાં, દરેક તાલુકામાં પ્રાકૃતિક ખેતીની પેદાશોના વેચાણ માટે યોગ્ય જગ્યા ફાળવીને વહેલી તકે વેચાણ કેન્દ્રો (સ્ટ્રક્ચર) તૈયાર કરવા ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારીઓને આદેશ આપ્યા હતા.
બોર્ડની પરીક્ષામાં ચુસ્ત બંદોબસ્ત અને સુચારૂ વ્યવસ્થા માટે સૂચના
આગામી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને કલેક્ટરશ્રીએ કડક સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું કે પરીક્ષા કેન્દ્રો પર ફાળવેલ ઓબ્ઝર્વરોએ પરીક્ષાના પૂરા સમય દરમિયાન હાજર રહેવું પડશે. પરીક્ષા દરમિયાન ઝેરોક્ષ મશીનો બંધ રાખવા, બિનજરૂરી રૂમો સીલ કરવા અને વિદ્યાર્થીઓને પરિવહન માટે બસની તકલીફ ન પડે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. સાથે જ વીજ પુરવઠો ન ખોરવાય અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જળવાય તે સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો હતો.
‘નલ સે જલ’ યોજનાની અધૂરી કામગીરી અને જનકલ્યાણની સમીક્ષા
જિલ્લામાં ‘નલ સે જલ’ યોજના હેઠળ જે એજન્સીઓ કામ અધૂરું છોડીને જતી રહી છે તેમની સામે કડક કાર્યવાહી કરવા અથવા તેમની પાસે કામ પૂર્ણ કરાવવા કલેક્ટરશ્રીએ સ્પષ્ટ સૂચના આપી હતી. આ ઉપરાંત, રાશનનું સમયસર વિતરણ, એટ્રોસિટીના કેસો, મહિલા અને બાળ વિકાસ તેમજ જિલ્લા ટાસ્કફોર્સની કામગીરીની પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય બચુભાઈ ખાબડ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

