યુ.કે.-ઇન્ડિયા ટ્રેડ ડિલ બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે વેસ્ટ મિડલેન્ડ ડેલિગેશન
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ કમબાઈન્ડ ઓથોરીટીના મેયર રિચાર્ડ પાર્કર વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત અને યુકે વચ્ચે થયેલી ટ્રેડ ડીલ બાદ આ પ્રતિનિધિ મંડળ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવ્યું છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે વેપાર અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વધારવાનો અને લાંબા ગાળાના આર્થિક સંબંધો સ્થાપિત કરવાનો છે.
શિક્ષણ, ગ્રીન ઇકોનોમી અને ટેકનોલોજીમાં સહયોગની તૈયારી
બેઠક દરમિયાન યુકેના ડેલિગેશને ગુજરાત સાથે ઉચ્ચ શિક્ષણ, ગ્રીન ઇકોનોમી, ઇલેક્ટ્રિક વ્હીકલ (EV), અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા અત્યાધુનિક ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, ૨૦૩૦માં ગુજરાતમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇકોસિસ્ટમ તૈયાર કરવામાં યુકે પોતાની નિષ્ણાત સેવાઓ આપવા પણ ઉત્સુક છે. મેયર રિચાર્ડ પાર્કરે આ સંદર્ભમાં મુખ્યમંત્રીને વેસ્ટ મિડલેન્ડની મુલાકાત લેવા માટે ખાસ આમંત્રણ પાઠવ્યું હતું.
ગુજરાત: પોલિસી ડ્રીવન સ્ટેટ અને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ૨૦૦૩થી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટને કારણે આજે ગુજરાત દુનિયાભરના રોકાણકારો માટે પ્રથમ પસંદગી બન્યું છે. તેમણે ઉમેર્યું કે ગુજરાત એક ‘પોલિસી ડ્રીવન સ્ટેટ’ છે, જ્યાં દરેક ઉદ્યોગ માટે સ્પષ્ટ નીતિઓ બનાવવામાં આવી છે. વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ગુજરાત ગ્રીન ગ્રોથ અને અન્ય ઉભરતા ક્ષેત્રોમાં નેતૃત્વ લેવા સજ્જ છે, જેમાં યુકેના રોકાણકારોને પૂરતો સહકાર આપવામાં આવશે.
જોઈન્ટ વર્કિંગ ગ્રુપ અને ઇન્ડેક્ષ-બીની નોડલ એજન્સી તરીકે નિમણૂક
વિકાસની આ સંભાવનાઓને ઝડપથી અમલમાં મૂકવા માટે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકાર અને વેસ્ટ મિડલેન્ડના અધિકારીઓનું એક ‘જોઈન્ટ વર્કિંગ ગ્રુપ’ બનાવવાનું સૂચન કર્યું હતું. આ કાર્ય માટે ‘ઇન્ડેક્ષ-બી’ (iNDEXTb) ને મુખ્ય નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે, જે બંને પક્ષો વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવશે. બેઠકના અંતે મુખ્યમંત્રીએ ડેલિગેશનને આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭માં જોડાવા માટે પણ આહવાન કર્યું હતું.

